Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે તડામાર તૈયારીઓ : અમિતભાઈ શાહના હસ્તે કરાયું કળશ સ્થાપન.

દસ લાખથી વધુ ફૂલ-છોડ અને વૃક્ષોના વાવેતર વચ્ચે ગ્રીન-ક્લીન મહોત્સવ સ્થળે ૫૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો કરશે સેવા

મોરબી : ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વભરમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે લાખોની જનમેદની વચ્ચે ભક્તિભાવથી ઉજવાનાર છે. આ મહોત્સવ માટે અમદાવાદની પશ્ચિમે સાયન્સ સીટી-ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ-સ્થળ ‘સ્વામિનારાયણ નગર’ આકાર લઇ રહ્યું છે. સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓએ મહોત્સવ માટે સેવામાં આપેલ કુલ ૬૦૦ એકર ભૂમિમાં મહોત્સવ-સ્થળ ‘સ્વામિનારાયણ નગર’ આકાર લઇ રહ્યું છે.જ્યાં સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કળશ સ્થાપન કરવામાં આવ્યું હતું. હાલ પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિની ભવ્ય અને ઐતહાસિક ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


‘ગ્રીન એન્ડ ક્લીન’ મહોત્સવ સ્થળ તરીકે વિકસી રહેલા આ સ્વામિનારાયણ નગરમાં ૭૦૦૦ વૃક્ષો અને દસ લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે, જે શોભામાં અભિવૃદ્ધિ તો કરશે પરંતુ પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ આપશે.જ્યાં લાખો લોકો ઉમટશે એ મહોત્સવ સ્થળ ‘’સ્વામિનારાયણ નગર” એક એવી નગરી હશે – જ્યાં વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો હશે, કલામંડિત મંદિર અને ભક્તિમંડપો હશે, જીવનને અલંકૃત કરે તેવી વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શનો હશે, સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્સ હશે, વ્યાખ્યાન-ગીત-સંગીત-નૃત્ય વગેરે કાર્યક્રમોથી ગૂંજતા સભામંડપો અને કોન્ફરન્સ સ્થળ હશે, જેમાં દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના ધુરંધરો અને ભારતના મહાન સંત-મહાત્માઓના પ્રેરક વક્તવ્યોનો લાભ મળશે, બાળકોને શિક્ષણ-સંસ્કાર-સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી હશે, ખાણી-પીણીની વ્યવસ્થાઓ હશે અને હજારો સ્વયંસેવકો માટે આવાસમંડપો હશે.
દેશ-વિદેશના અનેક પ્રસિદ્ધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીં લાખો લોકો વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોમાં ભાગ લઈને ધન્યતા અનુભવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે આકાર લઇ રહેલા સ્વામિનારાયણ નગરમાં હાલ ૨૦૦૦થી વધુ સમર્પિત સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, અને મહોત્સવ દરમ્યાન ૫૦,૦૦૦થી વધુ સંખ્યામાં સેવા આપશે. આ મહોત્સવ-સ્થળના વિશાળ મુખ્ય પ્રવેશદ્વારે જ્યાં મહોત્સવનું વિશાળ પ્રતિકચિહ્ન સ્થાપિત થવાનું છે એ સ્થળે વેદોક્ત વિધિપૂર્વક કળશ-સ્થાપન વિધિ કરવા માટે આજે તા. ૨૪ જુલાઈના રોજ ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ મહોત્સવ સ્થળે પધાર્યા હતા. મહોત્સવના પ્રેરક પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી, મહોત્સવના સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ અમિતભાઈનું સ્વાગત કર્યું હતું. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ તેમને મહોત્સવ સ્થળ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ અમિતભાઈએ વિધિપૂર્વક કળશ-સ્થાપન કરીને મહોત્સવ સ્થળના નિર્માણનું એક મહત્ત્વનું સોપાન આરંભ્યું હતું

 

(11:54 pm IST)