Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

વઢવાણ પંથકના યુવાનને ગામના જ બે શખ્‍સોએ હનીટ્રેપમાં ફસાવ્‍યો : ૭ શખ્‍સો સામે ફરિયાદ : બે ઝડપાયા

વઢવાણ પંથકના યુવાનને ગામના જ બે શખ્‍સોએ હનીટ્રેપમાં ફસાવ્‍યો : ૭ શખ્‍સો સામે ફરિયાદ : બે ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રપ : સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એક ગામમાં રહેતા યુવાનને મોબાઈલમાં વ્‍હોટસએપમાં અજાણ્‍યા નંબરમાંથી હાઈનો મેસેજ આવ્‍યા બાદ યુવતી સાથે વાત થવાની શરૂઆત થઈ હતી.

 જેમાં આ યુવતીએ અન્‍ય ૭ શખ્‍સો સાથે મળી યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવ્‍યો હતો. સમયાંતરે ત્રણ વખત રૂપિયા ૨.૧૫ લાખ આપવા છતાં આ શખ્‍સો પીછો ન છોડતા ભોગ બનનારને આત્‍મહત્‍યા કરવાનો વિચાર પણ આવ્‍યો હતો. અંતે પરિવારને ખબર પડતા મક્કમ બની યુવાને યુવતી સહિત ૮ આરોપીઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વઢવાણ તાલુકાના નગરા ગામે રહેતા જગદીશભાઈ કાનાભાઈ ટીંબલ પાનનો ગલ્લો ચલાવે છે. તેઓને નવી ઈકો કાર લેવી હોય મિત્ર સંજય કલોતરાને કહેલુ કે, મારી પાસે રૂપિયા ૩.૫૦ લાખની સગવડ છે. કોઈ કાર ધ્‍યાનમાં હોય તો કેજે. આ દરમીયાન જગદીશભાઈના મોબાઈલમાં વ્‍હોટસએપમાં હાય લખેલો અજાણ્‍યા નંબરથી મેસેજ આવ્‍યો હતો. ત્‍યારબાદ આ નંબર પર વાત કરવાની શરૂઆત થતા તોહા મિષાી નામની યુવતી સાથે જગદીશભાઈને અવારનવાર વાતો થવા લાગી હતી. અષાઢી બીજે તોહાએ ભોગ બનનારને કાળા કાચવાળી ગાડી લઈને સુરેન્‍દ્રનગર બોલાવ્‍યા હતા. જેમાં યુવતીએ રતનપર બાયપાસ લઈ જવાનું કહેતા ભોગ બનનારે કોઠારીયા તરફ કાર હંકારી હતી. જેમાં સ્‍નેહા સાથે પ્રેમભરી વાતો કર્યા બાદ તોહાએ આજે મુડ નથી, તેમ કીધુ હતુ. બાદમાં તા. રરના રોજ ફરી ભોગ બનનાર અને સ્‍નેહા ઈકો કારમાં મળ્‍યા હતા. ત્‍યારે અમુક શખ્‍સોએ આવી ભોગ બનનારને માર માર્યો હતો. જેમાં કારમાં રહેલા ભોગ બનનારના રૂપિયા ૩૦ હજાર, મોબાઈલ લઈ લીધા હતા. ત્‍યારબાદ ભોગ બનનારના મિત્ર સંજય અને નરેશ દ્વારા પ્રથમવાર રૂપિયા ૧.૩૫ લાખ અને ત્‍યારબાદ રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૨.૧૫ લાખ ખંખેર્યા હતા. ત્‍યારબાદ પણ આ શખ્‍સો અવારનવાર પૈસાની માંગણી કરતા ભોગ બનનારને આત્‍મહત્‍યા કરવાનો વિચાર કર્યો હતો. જેમાં પરીવારજનોએ મક્કમ થઈને ફરિયાદ કરવાનું કહેતા ભોગ બનનારે એ ડીવીઝન પોલીસ મથકે યુવતી સહિત ૭ શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા જ ડી સ્‍ટાફના  યુવતી સ્‍નેહાને રાધે ટેનામેન્‍ટમાંથી અને નરેશ ઉર્ફે બાબુને રાજકોટ રોડ પરથી ઝડપી લીધો હતો. અન્‍ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ એમ.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.

 હનીટ્રેપમાં સામેલ યુવતીની કરમ કુંડળી

હનીટ્રેપ કરનાર યુવતી તોહા મિષાી મુળ અમદાવાદની છે. તેની માતાએ બીજા લગ્ન કર્યા બાદ તેના સાવકા પિતા તેના પર નજર બગાડતા હતા. આથી માતાએ યુવતીના લગ્ન સુરત ખાતે કર્યા હતા. જેમાં યુવતીને મનમેળ ન આવતા ત્‍યાંથી છુટાછેડા લીધા હતા. બાદમાં ૪ માસ પહેલાં તે સુરેન્‍દ્રનગરના રાધે ટેર્નામેન્‍ટ વિસ્‍તારમાં રહેવા આવી હતી. અને અન્‍ય શખ્‍સો સાથે મળી આવી રીતે લોકોને હનીટ્રેપમાં ફસાવતી હતી. યુવતી બિયર અને મેલબોર્ન સીગારેટ પીવાની વ્‍યસની છે. પોતાના ખર્ચા પુરા કરવા તે હનીટ્રેપના રવાડે ચડી હતી.

સ્‍નેહા મિષાી નરેશ ઉર્ફે બાબુ નાથાભાઈ કલોતરા સંજય જીલાભાઈ કલોતરા મેરૂ ઉર્ફે વીરૂ ભરવાડ ભવાનીભાઈ ભરવાડ હીરો ભરવાડ ગઢવી નામથી ઓળખાતો માણસ હીરો ભરવાડનો એક અજાણ્‍યો મિત્ર

તા. ૨૨મીએ ભોગ બનનારને ઈકો કાર લેવાની હોવાથી તે મિત્રો નરેશ અને સંજય સાથે કારના શો રૂમમાં આવ્‍યા હતા. જયાંથી નરેશ ભોગ બનનારનું બાઈક લઈ ગયો હતો. જયારે ભોગ બનનાર અને સંજય ઈકો કારમાં નીકળ્‍યા હતા. ત્‍યારે તોહાનો ફરિયાદી પર સામેથી ફોન આવ્‍યો કે, સુરેન્‍દ્રનગર આવ્‍યા છો તો, મને કીધુ પણ નહી. તમે મને મળવા આવો તેમ કહી બહુચર હોટલ પાસે બોલાવ્‍યા હતા.

ગામના જ ર મિત્રોએ ભોગ બનનારને હનીટ્રેપમાં ફસાવ્‍યા

ભોગ બનનાર વઢવાણ તાલુકાના જે ગામનો છે તે ગામમાં રહેતા ર યુવાનો નરેશ ઉર્ફે બાબુ નાથાભાઈ કલોતરા અને સંજય જીલાભાઈ કલોતરા તેના મીત્રો છે. આ બન્ને યુવાનોએ જ તોહાને ભોગ બનનારનો નંબર આપ્‍યો હતો. અને બાદમાં બન્ને વચ્‍ચે વાતચીત ચાલુ થઈ હતી. સુરેન્‍દ્રનગર શહેરના કેનાલ રોડ પર હનીટ્રેપના સમયે ભોગ બનનાર અને યુવતી સ્‍નેહા સાથે સંજય પણ ઈકો કાર લઈને ગયો હતો.

બહુચર હોટલથી તોહા કારમાં બેઠા બાદ ભોગ બનનાર, સંજય અને તોહા કારમાં નર્મદા કેનાલથી મુળચંદ જવાના રસ્‍તે ગયા હતા. જયાં સંજય કારની બહાર નીકળી ગયો હતો. જયારે ભોગ બનનાર અને તોહા કારમાં બેસી પ્રેમની વાતો કરી અંગત પળો માણવાની તૈયારી કરતા હતા, ત્‍યારે બે બાઈક પર પાંચ શખ્‍સો ધસી આવ્‍યા હતા અને કાચ ખોલાવી એક શખ્‍સે આ મારી બેન છે, તેમ કહી ભોગ બનનારને લાફાવાળી કરી હતી.

(11:50 am IST)