Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ખંભાળિયામાં બે સ્‍થળોએ જુગાર દરોડામાં છ મહિલાઓ સહિત એક ડઝન જુગારીઓ ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૫ : ગાયત્રીનગર વિસ્‍તારમાં પાણી પુરવઠા ઓફિસની સામે આવેલા ખુલ્લા વાડામાં શનિવારે સાંજે સ્‍થાનિક પોલીસે જાહેરમાં બેસી અને ગંજીપત્તા વડે ત્રણપત્તી નામનો જુગાર રમી રહેલા મનહરસિંહ ઉર્ફે મયુરસિંહ બળુભા જાડેજા, વિમલ જીવણભાઈ ધનાણી, કિરણબા રેવતુભા વાળા, કળપાબા ગિરિરાજસિંહ ઝાલા, કાજલબેન હસમુખભાઈ રાઠોડ, દિવ્‍યાબેન હસમુખભાઈ રાઠોડ, સુશીલાબેન હસમુખભાઈ રાઠોડ, અને મુમતાઝબેન મહમદભાઈ રૂંઝા નામના કુલ આઠ વ્‍યક્‍તિઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આ આસામીઓ પાસેથી પોલીસે કુલ રૂપિયા ૧૨,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 અન્‍ય એક દરોડામા  નગર ગેઈટ પાસે પોલીસ ચોકીથી થોડે જ દૂર  સ્‍ટ્રીટ લાઈટના અજવાળે ચલણી નોટો ઉપર એકી-બેકીનો જુગાર રમી અને પૈસાની હારજીત કરી રહેલા અનિલ ઉર્ફે અમુ વાલા ડોરૂ, સુનિલ શાંતિલાલ ઉનડકટ, જીતુ બેચરભાઈ ડોરૂ અને પ્રવીણ વાલા ડોરૂ નામના ચાર શખ્‍સોને ઝડપી લઈ કુલ રૂપિયા ૨૨,૪૫૦ ની રોકડ રકમ કબજે કરી હતી. આ દરોડા દરમિયાન અત્રે ગોવિંદ તળાવ વિસ્‍તારમાં રહેતો અશ્વિન ગિરધર રોશિયા નામનો શખ્‍સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. જે સંદર્ભે પોલીસે જુગારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:46 pm IST)