Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

સાળંગપુરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા વિધિ દિવ્યતાથી યોજાઈ

દેશ-વિદેશના હજારો સંતો-ભક્તોએ હાજર રહી પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં અંજલિ અર્પણ કરી

સાળંગપુરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી.વસંત પંચમીના શુભ દિવસે દેશ-વિદેશના હજારો સંતો-ભક્તોએ હાજર રહી પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં અંજલિ અર્પણ કરી હતી.BAPS સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ સ્મૃતિ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. 13 ઓગસ્ટ 2016ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુરમાં અંતર્ધાન થયા હતા.

પ્રમુખ સ્વામીની અંતિમ ઇચ્છા હતી કે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ભગવાન સ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે તેમની અંતિમ વિધિ કરવામાં આવે. તેમની આ પ્રેરણાથી પ્રમુખ સ્વામી સ્મૃતિમંદિર આકાર લઈ ચુક્યું છે.

 

પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો. આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ અક્ષર–પુરુષોત્તમ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે. સવારે સંત પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામી અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો.

 

આ વૈદિક મહાપૂજાના સહભાગી થવા માટે સમગ્ર વિશ્વમાંથી હજારો હરિભક્તો પધાર્યા હતા. ત્યારબાદ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સ્મૃતિમંદિરનો મુખ્ય પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો હતો. પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો તથા પ્રમુખ સ્મૃતિ મંદિરનો અનેરો મહિમા ગાયો હતો અને જણાવ્યું હતું કે, ‘અહીં જે આવશે તેને શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા મળશે અને શાંતિનો અનુભવ જરૂરથી થશે.

 

ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200 થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેઓના આ યુગકાર્યને અંજલિ આપવા તેઓના સ્મૃતિમંદિરનું સ્થાપત્ય– સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે. પરમ  પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિમંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018 માં મહંતસ્વામી મહારાજે કર્યો હતો.

(10:22 pm IST)