Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

કોઠારા ગામે સ્કૂલ બંધ : કચ્છમાં કેસો વધ્યા

કોરોનાના કહેરથી કચ્છ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય ઠપ્પ : ભુજ કોર્ટના વકીલો દસ દિ' કામથી અળગા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : કોરોનાના ફૂંફાડાની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. એકાએક કચ્છમાં કેસો વધ્યા છે. દરમ્યાન કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઘનશ્યામ બુટાણી ને કોરોના થયો છે. તો, અન્ય સ્ટાફ ઉપરાંત તેમના પરિવારજનો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. એટલે તકેદારીના ભાગ રૂપે કચ્છ યુનિવર્સિટી નું શિક્ષણ કાર્ય ૨૯ સુધી બંધ રાખી સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

દરમ્યાન અબડાસા તાલુકાના કોઠારા ગામે શિક્ષિકા ને કોરોના થતાં સ્કૂલના શિક્ષણ કાર્યને પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જોકે, દેશ અને રાજયની સાથે હવે કચ્છમાં પણ કોરોનાનો ફૂંફાડો વધ્યો છે. નવા ૧૯ કેસ સાથે એકિટવ કેસો વધીને ૧૫૩ થયા છે.

દરમ્યાન કોરોના ને કારણે ભુજ બાર એસો. દ્વારા તા.૨૬/૩ થી ૪/૪ સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. વકીલો તાકીદના કામ સિવાય કોર્ટની અંદર જશે નહીં.

(11:05 am IST)