Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

જુનાગઢશ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ

આજથી ૩૦ માર્ચ સુધી શ્રી પુરૂષોત્તમ પ્રકાશ કથાપારાયણ

જુનાગઢ, તા. ર૬ :  સોરઠ પ્રદેશના ભકતજનોનાં ભાવ અને પ્રેમથી વશ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ જુનાગઢમાં અતિભવ્ય અને કલાત્મક મંદિરનું નિર્માણકાર્ય સ.ગુ. બ્રહ્માનંદ સ્વામી પાસે સંપન્ન કરાવી પોતાના સ્વહસ્તે બાથમાં લઇ રાજાધિરાજ શ્રી રાધારમણદેવ-શ્રી સિદ્ધેશ્વર મહાદેવ-શ્રી રણછોડરાય-ત્રિકમરાયજીની પ્રતિષ્ઠા કરી લોકોના ભાવહૃદયને ધન્ય બનાવ્યા. જયાં દેશ-વિદેશમાં વસતાં કરોડો મુમુક્ષુ જીવાત્માઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મહાપ્રતાપી શ્રી રાધારમણદેવના સમીપ બિરાજમાન સર્વોપરી શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાવિધિ ભકતજનોનાં સંકલ્પને પૂર્ણ કરવા માટે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજશ્રી એ કરી તેનાં ૧૬૧ પૂર્ણ થતા હોય વાર્ષિક પાટોત્સવ તા. ૩૦-૩-ર૦ર૧, મંગળવારના રોજ વડતાલ લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહરાજશ્રીના પાવન કરકમલ દ્વારા ઉજવાશે.

૧૬૧ માં વાર્ષિક પાટોત્સવનાં આ અતિભવ્ય ઉત્સવમાં પંચદિનાત્મક શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા પારાયણનું આયોજન સરધાર નિવાસી પ.પૂ. સ.ગુ. સ્વામી શ્રી પૂર્ણ સ્વરૂપદાસજીનાં વ્યાસાસને થશે. આ પ્રસંગે સમગ્ર ધર્મકુળ પરિવાર પધારી દર્શન-આશિવર્ચનનો અલભ્ય લાભ આપશે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિર અને ગુરૂકુળોથી સંતો પધારશે. દેશ-વિદેશમાં વસતા ભકતજનો પણ આ તકે શ્રી ઠાકોરજીના મહાભિષેકના દર્શનનો લાભ પ્રાપ્ત કરશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેનશ્રી કો. સ્વા. દેવનંદનદાસજી તથા મુખ્ય કોઠારીશ્રી શા. સ્વ. પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ વાળા) ના માર્ગદર્શન મુજબ યુવાન સંતો અને હરીભકતોની ટીમ કામ કરી રહી છે. તેવું કોઠારી શ્રી પી.પી. સ્વામીની યાદીમાં જણાવાયું છે.

તા. ર૬ થી ૩૦ માર્ચ સુધી પ્રાપ્ત થનારો આ દિવ્ય ધર્મલાભ દરમ્યાન તા. ર૯-૩-ર૦ર૧ પ.પૂ. ધ.ધૂ. આચાર્ય મહારાજશ્રી સમગ્ર ધર્મકુળ પધારી બે દિવસ સુધી સોરઠના સત્સંગીઓને ધર્મ લાભ આપશે. તા. ૩૦-૩-ર૦ર૧ ના રોજ શ્રી ઠાકોરજીનો દિવ્ય અભિષેક અન્નકુટ દર્શન અને  સત્સંગ પ્રવચનનો લાભ પણ મળશે.

કોવીડ ૧૯ વેકિસન મેગા કેમ્પ

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખશ્રી પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત કલાવૃંદના સ્થાપક સંજયભાઈ પંડ્યા શકિત ચેરીટેબલ ટ્રસ્ટના આશિષભાઈ રાવલ જનમત ફાઉન્ડેશનના કુણાલ ભાઈ ચોવટીયા ઇરફાનભાઇ સીદ્દીકી દ્વારા એક ભવ્ય મેગા કોવિડ -૧૯ વેકિસન તા.૦૧/૦૪/૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે ૯.૩૦ થી સાંજના ૮ વાગ્યા સુધી સ્વામી મંદિર જવાહર રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં અંદાજે ૨૦૦૦ વેકિસન આપવાનો ઉદ્દેશ છે આ કેમ્પને સફળ બનાવવા માટે જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તેવા સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ના સંત શ્રી ચેરમેન શ્રી પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી, સ્વામીશ્રી પ્રેમસ્વરૂપદાસજી,  ટ્રસ્ટી શ્રી સરજુસ્વામી, પીપી સ્વામી તથા રાધારમણદેવ વહીવટી સમિતિ જુનાગઢ ના સાનિધ્યમાં આ વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

આ કેમ્પમાં ૪૫ વર્ષથી ઉપરના દરેક ભાઈઓ તથા બહેનો લાભ લઈ શકશે વેકિસન લેવા ઇચ્છતા દરેક ભાઈઓ બહેનો નીચે આપેલા નંબર ઉપર તારીખ ૩૦/૩/૨૦૨૧ સુધીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. સંપર્ક નંબર મો.ન. ૮૮૮૬૦ ૨૭૦૨૫, મો.ન. ૯૮૨૫૮ ૮૭૦૩૮, મો.ન. ૭૬૦૦૦ ૨૩૯૨૩, મો.ન. ૯૮૨૪૨ ૫૪૦૪૯.

યોગ ટ્રેનર માટે તાલીમ વર્ગ

ગુજરાત રાજય યોગબોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનરો તૈયાર કરવા માટે  યોગ બોર્ડ તરફથી નિમેલા પ્રશિક્ષિત  યોગકોચ દ્વારા તાલીમ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં યોગબોર્ડ તરફથી યોગ તાલીમ તથા યોગ ટ્રેનરનું પ્રમાણપત્ર (સર્ટીફીકેટ) મેળવીને આપ યોગ ટ્રેનર (યોગ શિક્ષક) તરીકે ગુજરાત રાજય યોગ બોર્ડના નિયમ અનુસાર નિયમિત માત્ર દરરોજના દોઢ કલાકનો સમય આપી આપ રૂ. ૩૦૦૦ થી વધુની માસિક આવક મેળવી શકો છો. સાથે સાથે રોગમુકિતનું શિક્ષણ આપવામાં આવશે.

યોગકોચ પ્રતાપ એમ. થાનકી યોગાચાર્ય (મો.) ૯૪૦૯ર૪૭૯૧૩) છે.

તા. ૧-૪-ર૧ થી ૩૦-૪-ર૧ એક માસ માટે તાલિમ રહેશે. આ તાલિમ વર્ગમાં ટ્રેનર તરીકેની તાલીમ લેવા ઇચ્છુક વ્યીકતએ ફોન દ્વારા કે વ્હોટએપ દ્વારા આ મો. નંબર ઉપર જાણ કરવી. સ્થળ : શિવમ પાર્ટી પ્લોટ ગીરીરાજ સોસાયટી પાસે બંસીધર સોસાયટી સવારે ૬-૩૦ થી ૮ રહેશે.

પરીક્ષાના ચોથા દિવસે કોપીકેસ

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢની પી.જી. સેમેસ્ટર ૧ ની એમ.એ. એમ.એસ. ડબલ્યુ, એમ.કોમ. એમ.એઙ એમ.એસ.સી., એલ.એલ.એમ., એમ.આર. એસ., એમ.એસ.સી.  (ફોરેન્સિક સાયન્સ), બી.એઙ સહિતની પરીક્ષામાં આજરોજ ૧ કોપી કેસ કરવામાં આવ્યો હતો.

સગર્ભા બહેનો માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન અને એક લગ્ય ફાઉન્ડેશન સંચાલિત નોબલ જયોત તપોવન કેન્દ્ર દ્વારા સગર્ભા બહેનો માટે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ નિદાન કેમ્પમાં નવપરણિત યુગલોને દિવ્ય સંતાન પ્રાપ્તિ ના આયોજન માટે સગર્ભા બહેનોની દિનચર્ચા, આહાર, વિહાર અને વિચારની સમજણ મેળવવા માટે, ગર્ભસ્થશિશુ તથા સગર્ભા બહેનોના શારિરીક, માનસિક અને ભાવાત્મક વિકાસ માટે જેમાં યોગ, ધ્યાન ગર્ભ સંવાદ, સદવાંચન, જેવી પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમાં ડો. વીણા દેસા નીઇ અને ડો. નીરલ વિરાણી દ્વારા સગર્ભા મહિલાઓનું નિદાન કરવામાં આવ્યું હતું અને તેને યોગ્ય ખોરાક અને જરૂરી ઔષધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પમાં સગર્ભા મહિલાઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

(1:13 pm IST)