Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ફૂલોની ખેતીને લાગ્યું કોરોનાનું ગ્રહણ... વિરપુરના ખેડૂતોની માઠી દશા

ધુળેટી પર્વે 'હોલી કે રસિયા' ધાર્મિક ઉત્સવો બંધ રહેતા ફૂલની ખેતી અને ધંધાર્થીઓની કમર ભાંગી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર જલારામ, તા.૨૬: ફાગણ માસમાં હોળી-ધુળેટી પર્વની નજીક હોલી કે રસિયા ધાર્મિક ઉત્સવ દબદબાભેર ઉજવાતો હોય છે અને આ ઉત્સવમાં વ્યાપક પ્રમાણમાં ગલગોટા, બેરી અને ગુલાબ સહિતના ફૂલોનો ઉપયોગ થતો હોય છે હોલી કે રસિયા જે વિસ્તારમાં ધાર્મિક ઉત્સવ ઉજવાતો હોય ત્યાં ફૂલોના કારણે મહેક પ્રસરી જતી હોય છે પરંતુ સરકારે ચૂંટણી પર્વ ધામધૂમપૂર્વક ઉજવી લીધા બાદ હોળી ધુળેટીના ધાર્મિક ઉત્સવ ઉપર કોરોનાનો કોરડો વીંજી એકાએક બ્રેક લગાવી દેતા તેની અસર ફૂલની ખેતી કરતા ખેડૂતો અને વ્યાપારીઓ પર પડવા પામી છે.

ફૂલોના ખેતીમાં આવેલી વ્યાપક નુકશાની અંગે વિરપુરના બટુકભાઈ ડાભી તેમજ નિલેશભાઈ વદ્યાસીયાએ જણાવ્યું હતું કે વિરપુર પંથકમાં દ્યણા ખેડૂતો વિવિધ ફૂલોની ખેતી કરે છે, પરંતુ હાલ વર્તમાન સમયે વેપારીઓ અને ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થવા પામી છે,સતત બે વર્ષ થયા ફૂલની ખેતી કરતા ખેડૂતો નુકશાની વેઠી રહ્યાં છે ગત વર્ષે લોકડાઉન અને ચાલુ વર્ષે પણ સરકારી પ્રતિબંધના કારણે હોળી ધુળેટીના ધાર્મિક ઉત્સવો તેમજ લગ્ન પ્રસંગો બંધ થયા છે જેમને લઈને ફૂલોની જરૂરિયાત દ્યટી છે જેની સામે ખેતરમાં ઉભેલા મનમોહક ફુલો ઉતારવાની મજૂરી પણ મોંદ્યી પડી રહી છે જેમના કારણે ખેડૂતોને ફૂલ ફેંકી દેવાનો વારો આવ્યો છે જયારે ગુલાબના ફૂલ ૫૫ રૂપિયા કિલો પડતર થાય છે જેની સામે બજારમાં રૂપિયા ૨૦ કિલો લેખે વેચાતા હોય ૩૫ રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને જો ફૂલોને સમયસર ઉતારી લેવામાં ન આવે તો મોલ ખરાબ થઈ જાય છે મોટાભાગના ખેડૂતોએ ગલગોટા ફૂલના તથા સફેદ ફૂલના છોડ ખેતરમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે ફૂલો થી રમાતી હોળી રંગ અને સુગંધ વિહોણી થઈ ગઈ છે માટે ફૂલોની ખેતી કરતા ખેડૂતોને સરકાર રાહત પેકેજ આપે તેવી માંગ પણ ફૂલોની ખેતી કરતા ખેડૂતો કરી રહ્યા છે.

(1:17 pm IST)