Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ઘોઘાના તણસા ગામે ગેરકાયદેસર ચાલતા બાયો ડિઝલ પંપને જિલ્લા પુરવઠા તંત્રએ સીઝ કર્યો

રાજ આશાપુરા ડેપોના નામે ચાલતા બાયો ડિઝલ પંપ પર મોડીરાત્રે દરોડો : ૬૫૨૦ લીટર બાયો ડિઝલનો જથ્થો, લોખંડનો એક ટાકો, એક પ્લાસ્ટિકની ટાંકી મળી કુલ રૂ.૪.૯૨ લાખની માલ-મિલ્કત સીઝ

ઘોઘા તાલુકાનાં તણસા ગામે ગેરકાયદેસર રીતે ચાલતા બાયો ડિઝલ પંપને જિલ્લા પુરવઠા તંત્રએ ગત મોડી રાત્રે સીઝ કર્યો છે. અનિરુધ્ધસિંહ પ્રભાતસિંહ જાડેજા દ્વારા રાજ આશાપુરા ડેપોના નામે ચાલતા બાયો ડિઝલ પંપ વિષે જિલ્લા પુરવઠા તંત્રને માહિતી મળતા જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા સ્ટાફ સાથે ગત રાત્રે ૧૨:૩૦ કલાકે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન બાયો ડિઝલ પંપ દ્વારા ગેરકાયદેસર રીતે ફ્યુઅલીંગની અનિયમિતતાઓ માલૂમ પડતાં અંદાજીત ૬૫૨૦ લીટર બાયો ડિઝલ નો જથ્થો, લોખંડનો એક ટાકો, એક પ્લાસ્ટિકની ટાંકી મળી કુલ રૂ.૪.૯૨ લાખની માલ-મિલ્કત સીઝ કરવામાં આવી છે.

સીઝ કરેલ બાયો ડિઝલનો નમૂનો પૃથ્થકરણ માટે અન્ન અને નાગરીક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે.

પૃથ્થકરણ અહેવાલ બાદ પેઢીના માલિક વિરૂધ્ધ ભાવનગર કલેક્ટરશ્રીની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનું ખરીદ-વેચાણ કરવું કાયદેસરનો ગુન્હો બને છે. ભાવનગર જીલ્લામાં બાયો ડિઝલના ખરીદ-વેચાણ અંગે કોઈ ગેરરિતી જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરી શકાશે તેમજ પુરવઠા કચેરીના ઇ-મેઈલ dso-bav@gujarat.gov.in પર જાણ કરી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભૂમિકા વાટલીયાએ જણાવ્યું છે

(11:54 pm IST)