Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ઉપલેટા પાસે કાર ચાલકે વડોદરાથી દ્વારકા જતા પગપાળા સંઘને અડફેટે લેતા 2 મહિલાઓના મૃત્યુ : અન્ય એક ગંભીર

વડોદરાના પાદરા ગામમાંથી 90 લોકોનો સંઘ પગપાળા દ્વારકા જઇ રહ્યો હતો: મોજ નદીના પુલ નજીક પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચઢાવી

વડોદરાના પાદરા ગામથી 90 પુરૂષ અને કેટલીક મહિલાઓ પગપાળા દ્વારકા માનતા પૂરી કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન ઉપલેટા અને ડુમીયાણી વચ્ચે મોજ નદીના પુલ નજીક પાછળથી આવતી કારના કાર ચાલકે ત્રણેય મહિલાઓ પર કાર ચડાવી દીધી હતી. GJ-O1-RA-7100 નંબરની કારના ચાલકે અહીં રોડ પર કાબૂ ગુમાવ્યો હતો. કારચાલકે સંઘના લોકોને પાછળથી ટક્કર મારી હતી. જે દુર્ઘટનામાં કૈલાસબેન ચૌહાણ અને કૈલાસબેન ગોહિલના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. તો અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાઈ છે.

વડોદરાના પાદરા ગામના એક પરિવારની મનોકામના પૂર્ણ થતા આખો સંઘ દ્વારકાધીશના દર્શને પગપાળા નીકળ્યો હતો. પરંતુ સંઘ દ્વારકા પહોંચે તે પહેલા જ દુર્ઘટના બની અને બે મહિલાઓના મોતથી સંઘના લોકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ છે.

આ ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બે મૃતક મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.

(6:47 pm IST)