Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ઉંપલેટાના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા હુકમ

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉંપલેટા, તા. ૨૭:. ઉંપલેટા કોર્ટમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂા. ૯,૬૮,૭૫૦ ફરીયાદીને વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. જો આરોપી ચેકની રકમ ચુકવે નહીં તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
ઉંપલેટાના એડવોકેટ જે.ડી. ચંદુવાડીયાએ કેસની હકીકત જણાવેલ છે કે ઉંપલેટામાં આવેલ રજવાડી સેલ્સ એજન્સીએ રાજકોટના નીખીલ વૃજલાલ રાબડીયાને ૩૮૭૫ કિલો સોપારી વેચાણ આપેલ હતી, જે સોપારીની રકમ ચૂકવવા માટે નીખીલ વૃજલાલ રાબડીયા એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા-રાજકોટનો ચેક લખી આપેલ હોય જે ચેક ફરીયાદીએ વટાવવા માટે રજુ કરતા જે ચેક પરત ફરતા, ફરીયાદીએ ઉંપલેટાના એડવોકેટ જે.ડી. ચંદુવાડીયા મારફત ઉંપલેટાની કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરતા જે કેસ ઉંપલેટા જ્યુ.મેજી. એસ.એસ. અજમેરીની કોર્ટમાં ચાલી જતા જ્યુડીસીયલ મેજીસ્ટ્રેટ એસ.એસ. અજમેરીએ માત્ર ૪ માસના ટૂંકા સમયગાળામાં કેસ ચલાવી તથા ફરીયાદીના એડવોકેટ જે.ડી. ચંદુવાડીયાએ ફરીયાદના સમર્થનમાં રજુ રાખેલ પુરાવા તથા સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટના ચુકાદાઓને કોર્ટે માન્ય રાખી, આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. ૯,૬૮,૭૫૦ નવ લાખ અડસાંઈઠ હજાર સાતસો પચાસ પુરાનુ વળતર ચૂકવવા હુકમ કરેલ છે તથા જો આરોપી ચેકની રકમ ચુકવે નહી તો વધારાની ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.

 

(10:24 am IST)