Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જૂનાગઢમાં ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડો. સુભાષ એકેડમીના વાર્ષિકોત્સવ નિમિતે 'લોક સેવા ઉત્સવ'

ત્રીજી જાન્યુઆરીએ ડો. સુભાષ આયુર્વેદિક - જનરલ હોસ્પિટલ બિલ્ડીંગ અને અટલ આરોગ્ય રથનું લોકાર્પણ થશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭ : સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા 'પૂ.બાપુજી' નિર્મિત ડો. સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ૪પમાં વાર્ષિકોત્સવ નિમિત્ત્।ે આગામી તા. ૩ જાન્યુઆરીના રોજ લોક સેવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહના ઉદઘાટક તરીકે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તા. ૩ જાન્યુઆરી સોમવારના રોજ સવારે ૮:૩૦ કલાકે આયોજીત સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ હાજરી આપશે.

ડો. સુભાષ એકેડેમીના વડા, પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના જણાવ્યા પ્રમાણે આ પ્રસંગે નિઃસ્વાર્થ સમાજ સેવા કરનાર તથા પ્રખર પુરૂષાર્થ કરી ઉચ્ચ હોદા પર નિયુકિત પામી સમાજને ગૌરવ અપાવનાર જ્ઞાતિ રત્નોને સન્માનીત કરવામાં આવશે. ઉદઘાટન સમારોહ પૂર્વે લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમની શૈલીમાં લોક સાહિત્યની રસલ્હાણ પીરસી વાતાવરણને રળીયાત બનાવશે.

આ તકે મહાનુભાવોના હસ્તે ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલનું અદ્યતન બિલ્ડીંગ અને અટલ આરોગ્ય રથનું લોકાર્પણ થશે.

સમારંભના અતિથિ વિશેષ તરીકે મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, દેવાભાઈ માલમ, સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, રમેશભાઈ ધડુક, જીલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જીલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મેયર ધીરૂભાઈ ગોહેલ અને શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઈ શર્મા ઉપસ્થિત રહેશે.

તા. ૩ના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(10:34 am IST)