Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ગોંડલ આશાપુરા અંડરબ્રિજ પ્રશ્ને કોંગ્રેસ આક્રમક મૂડમાં

બે મહિનામાં જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહી નહીં થાય તો આંદોલન

ગોંડલ,તા.૨૭: ગોંડલ ની પ્રજા ઉપર ધરાર થોપી બેસાડવામાં આવેલ આશાપુરા અંડરબ્રિજમા છાશવારે અકસ્માત થતા હોય છેલ્લા એક માસમાં બે એસટી બસના પણ ગંભીર અકસ્માત સર્જાતાં શહેર કોંગ્રેસ આગેવાનોએ સાંસદ રમેશભાઈ ધડુક ને આવેદનપત્ર આપ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બે માસમાં યોગ્ય નિરાકરણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડવામાં આવશે.

ચર્ચા નો વિષય બનેલા આશાપુરા અંડર બ્રીજના મામલે હવે કોંગ્રેસ આક્રમક બની મેદાનમા આવી છે.અને અંડરબ્રિજ ના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા, યતીશભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસી આગેવાનો દ્વારા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ને આશાપુરા અંડરબ્રિજ પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આશાપુરા અંડરબ્રિજ અને ઉમવાડા અંડરબ્રિજ ની ડિઝાઇન ભયંકર ક્ષતિગ્રસ્ત છે, સતત પાણી ભરાઇ રહેવાના કારણે અકસ્માતની વણજારો સર્જાઇ રહી છે આશાપુરા અંડરબ્રિજ ની જગ્યાએ ઓવર બ્રીજ બનાવો જરૂરી છે.

યતિષભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારીઓના કારણે પ્રજાના પૈસાનો વ્યય થઇ થયો છે, આશરે છ કરોડથી પણ વધારાના ખર્ચ કરી આશાપુરા અને ઉમવાડા બ્રિજ ગોંડલ ની પ્રજા પર થોપી બેસાડવામાં આવ્યા છે, વાસ્તવમાં અહીં ઓવરબ્રિજની જરૂરિયાત છે, તંત્રના ડિઝાઇનરો દ્વારા ભયંકર ક્ષતિગ્રસ્ત ડિઝાઇન બનાવવામાં આવી છે આ અંગે તપાસ હાથ ધરી જવાબદારો પાસેથી દંડ વસુલ કરી દાખલો બેસાડવો જોઈએ.

આગામી દિવસોમાં ગુંદાળા રોડ પર તંત્ર દ્વારા ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે તો તેની ડિઝાઇન માં કોઈપણ જાતની ક્ષતિ રહી ન જાય તેની તકેદારી રાખવી જોઈએ બ્રિજ બની ગયા બાદ પ્રજા રોજ હેરાન થાય તેવા વિકાસ ની ગોંડલ ને જરુર નથી.

(10:54 am IST)