Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

૧૯૭૧ના યુધ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરનાર વીર શહિદ વનરાજસિંહને હળવદના કોયબા ગામે શ્રધ્ધાંજલિ અપાશે

હળવદ,તા. ૨૭: વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ઘને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવ માનવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત યુદ્ઘમાં અંતિમ શ્વાસ સુધી લડી બલિદાન આપનાર રાજપુતાના રાયફલના વીર જવાન અને હળવદના કોયબા ગામના વતની એવા શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલાને તેમના વતન ખાતે વિશેષ પુષ્પાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરાયું છે.

અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા ૧૯૭૧માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ઘમાં પાકિસ્તાનના બલનોઈ ક્ષેત્રમાં ઘુસી દુશ્મન દેશના દાંત ખાટા કરી અંતિમ શ્વાસ સુધી લડી દેશ માટે બલિદાન આપનાર ૯ રાજપુતાના રાઇફલના ઝાંબાઝ એવા હળવદના કોયબા ગામના વતની શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલાની યાદમાં વીર શહીદ જવાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ઘને ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સૂવર્ણ જયંતીના અનુસંધાને અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ, સુરેન્દ્રનગર (મોરબી) દ્વારા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ મહોત્સવની ઉજવણી યુદ્ઘ દરમિયાન શહીદ થયેલા હળવદના કોયબા ગામના શહીદ જવાનને તેમના માદરે વતનમાં શહીદયાત્રા યોજી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.

૩૧ ડિસેમ્બરના રોજ કોયબા ગામ ખાતે સવારે ૮ વાગ્યાથી ૯-૩૦ વાગ્યા સુધી શહીદ યાત્રા યોજાશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યાથી ૧૨-૩૦ વાગ્યા સુધી વીર શહીદ જવાનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહી વીર શહીદ જવાન વનરાજસિંહ હાલુભા ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે વીર શહીદ જવાનના પરિવાર અને અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ- સુરેન્દ્રનગર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(10:56 am IST)