Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વાંકવડમાં વંડો ચણવા પ્રશ્ને કુંવરજીભાઇ, પત્નિ શાંતુબેન અને પુત્ર સુનિલ પર હુમલોઃ એકનો હાથ ભાંગી ગયો

સામા પક્ષે જયંતિ અને દિપકને ઇજાઃ એરપોર્ટ પોલીસે ચાર જણા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૭: કુવાડવા નજીકના વાંકવડ ગામમાં કોળી પરિવારના લોકો વચ્ચે વંડો બનાવવા મામલે અને હલણ મામલે ચાલતાં મનદુઃખમાં પાઇપ-ધોકાથી મારામારી થતાં બંને પક્ષના મળી પાંચને ઇજા થઇ હતી. જેમાં એક મહિલાનો હાથ ભાંગી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ વાંકવડ રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં કુંવરજીભાઇ વેલજીભાઇ રાઠોડ (કોળી) (ઉ.વ.૬૦) તથા તેના પત્નિ શાંતુબેન કુંવરજીભાઇ રાઠોડ (ઉ.૫૭) અને રાજકોટ શ્રીરામ પાર્ક-૩માંથી વાંકવડ માતા-પિતા પાસે આવેલા પુત્ર સુનિલ કુંવરજીભાઇ રાઠોડ (ઉ.૨૮) પર રવિવારે સાંજે કુંવરજીભાઇના કોૈટુંબીક ભત્રીજાઓ રમેશ રાકાણી, જેન્તી રમેશ રાકાણી, દિપક કેશુ રાકાણી અને મંજુલા રમેશ રાકાણીએ લોખંડના પાઇપથી હુમલો કરતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં સુનિલ અને તેના પિતાને માથાના ભાગે ઇજા થઇ હતી. જ્યારે મંજુલાબેનનો હાથ ભાંગી ગયાનું નિદાન થયું હતું.

સામા પક્ષે જયંતિ રમેશભાઇ રાકાણી (ઉ.૨૫) અને દિપક કેશુભાઇ રાકાણી (ઉ.૨૭) પણ પોતાના પર કુંવરજીભાઇ, સુનિલ સહિતે હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ વી. સી. પરમારે સુનિલ રાઠોડની ફરિયાદ પરથી રમેશ રાકાણી, જેન્તી રાકાણી, દિપક અને મંજુલાબેન સામે આઇપીસી ૩૨૫, ૩૨૩, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

કુંવરજીભાઇએ પોતાના ઘર પાસે વંડો બનાવ્યો હોઇ તે બાબતે અને હલણ બાબતે કોૈટુંબીક સગા રમેશ સહિતને લાંબા સમયથી વાંધો ચાલતો હોઇ તેનું મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. પોલીસે બે શખ્સને સકંજામાં લીધા છે.

(11:58 am IST)