Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

જામનગર જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી

જામનગર તા. ૨૭ : સમગ્ર રાજયમાં સુશાસન સપ્તાહનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેનો રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજય વ્યાપી આરંભ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં જામનગર ખાતેથી ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા કલેકટર ડો.સૌરભ પારઘી સહિતના મહાનુભાવો વર્ચુયલ માધ્યમથી જોડાયા હતા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન  અને ભારતરત્ન સ્વ અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિતે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ વિકાસના કાર્યો હાથ ધરાયા છે. સમાજના શોષિત, પીડીત વંચિત તેમજ અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રજાજનોને રાજય સરકારના સુશાસન થકી છેવાડાના લોકોને પણ કલ્યાણલક્ષી યોજનાઓના લાભો મળી રહ્યાં હોવાની સાથે સેવાસેતુના માધ્યમ થકી લોકોને ઘર આંગણે જ સેવાઓ પુરી પાડી હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત તા.૨૬મી ડિસેમ્બરના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, તા.૨૭મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ જિલ્લા આરોગ્ય તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ,તા.૨૮મી ડિસેમ્બરના રોજ જિલ્લાના કૃષિ, પશુ પાલન, ગ્રામ વિકાસ વિભાગ, તા.૨૯મી ડિસેમ્બરના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદીજાતી વિકાસ વિભાગ, તા.૩૦મી ડિસેમ્બરના રોજ શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ તેમજ તા.૩૧મી ડિસેમ્બરના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત, શિબીર, આરોગ્ય કેમ્પ, સ્વચ્છતા અભિયાન, પોષણ કિટ વિતરણ, PMJAY કાર્ડનુ વિતરણ, ઇ- શ્રમકાર્ડ નોંધણી જેવા વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે.

કાર્યક્રમમાં મહાનુભાવોનુ સ્વાગત અધિક નિવાસી કલેકટર મીતેષ પંડયા તેમજ આભારવિધી ઈ.જિલ્લા વિકાસ અધિકારી રાયજાદા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા તેમજ સંકલન સમિતીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:47 pm IST)