Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન

સોમનાથ દાદાના મંદિરે યાત્રિકોની સેવામાં અડીખમ ગુજરાત પોલિસ દળનો શ્વાન 'બાદલ'

સોમનાથ મહાદેવના મંદિરને દરરોજ સેલ્યુટ વંદન કરી પછી જ ફરજનો પ્રારંભ કરે છે

પ્રભાસ - પાટણ :. ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા બેડામાં ગુજરાત ડોગ સ્કવોડ પોલીસ દળનો 'બાદલ' શ્વાન મંદિર તથા યાત્રિકોની પવિત્ર શ્રાવણ માસમાં સુરક્ષા માટે સદાય જાગૃત - સજ્જ રહે છે.

તા. પ-૧-૧૪ ના રોજ જન્મેલ આ જર્મન સેર્ફડ ડોગ સ્ફોટક - વિસ્ફોટક પદાર્થોને સુંધવાની શકિતને આધારે શોધી કાઢવામાં મહારથ ધરાવે છે.

જેવું સોમનાથ મંદિર ખુલે એટલે તુરંત જ સુરેન્દ્રનગર જીલ્લાનો તાલીમ બધ્ધ આ શ્વાન પ્રથમ મંદિર પરિસરમાં જઇ સોમનાથ મંદિરના પ્રવેશ પગથીયા પાસે તેની તાલીમી સ્ટાઇલમાં મહાદેવને સેલ્યુટ - વંદન કરી પછી તેને સોંપાયેલી ફરજનો પ્રારંભ કરે છે.

ડોગ હેન્ડલર હેડ કોન્સ. સુરેન્દ્રનગર રણજીતસિંહ ઝાલાના સુપરવીઝનમાં મંદિર પરિસરમાં આવેલ. બગીચાઓ - ડસ્ટબીનો અને અન્ય બાંધકામોના ખૂણે - ખૂણે ફરી સુંધી વિશ્વાસુ - વફાદાર ફરજ બજાવે છે. તેમજ શંકાસ્પદ યાત્રી લાગે તો નજીક જઇ સુંઘે છે અને આ ચેકીંગમાં એકસ્પોલોઝીવ પદાર્થ માલુમ પડે તો તે સતત પુંછડી હલાવે અને તે સ્થળે બેસી જાય જેથી આગળની તપાસ કાર્યવાહી ડોગ ટેન્ડલર કે પોલીસ આગળ ધપાવે.

ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી એક માસ પુરતું રોટેશન મુજબ શ્વાન પોલીસ વિભાગ સોમનાથ મંદિરે કાર્ય કરતું રહે છે.

આ શ્વાનને દર અઠવાડીયે પશુ ડોકટર દ્વારા મેડીકલ ચેકીંગ કરાય છે અને જેનું રજીસ્ટર પણ મેઇન્ટેન કરાય છે.

બાદલ ડોગને તેમના ઉપરી અધિકારીઓને સેલ્યુટ ઓબીડીયન્સીની ઘનિષ્ઠ તાલીમ અપાયેલી હોય છે. આ ઉપરાંત વરસમાં વારંવાર વિસ્ફોટક પદાર્થ જમીનમાં દાટી કે દિવાલમાં રાખી તે શોધવાની મોકડ્રીલ કવાયત પણ કરાતી હોય છે.આ શ્વાનને દરરોજ બે લીટર દૂધ અને ડોગને લગતાં બિસ્કીટ બે વખત ભોજનમાં અપાય છે. અને નવ - દસ વરસ કામ કર્યા પછી તેને નિવૃત પણ કરાય છે. અન્ય પોલીસ જવાનોની જેમ તેને પેન્શન નથી મળતું પરંતુ નિવૃતીમાં ગુજરાત પોલીસ દળ તેના ખાવા - સારવાર કરતું રહે છે. ડોગ-શો - સ્ટેચ્યુ ઓફ યુનિટી બંદોબસ્તમાં બાદલ અને તેના હેન્ડલર શ્રેષ્ઠ કામગીરી બજાવેલ છે.

(11:48 am IST)