Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કચ્છમાં પવનચક્કીએ વધુ બે મોરનો ભોગ લીધો- નિયમોને ઘોળીને પી જતી કંપનીઓ સામે સરકાર લાચાર

લાઠીના રાજવી કવિ કલાપીના સાસરિયા એવા નખત્રાણાના રોહા ગામની સીમમાં પર્યાવરણનો ખો

ભુજ,તા.૨૮ : કચ્છમાં વિકાસના નામે પર્યાવરણના નિયમોનો કંપનીઓ છેદ ઉડાડતી હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે કર્યો છે. નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામે પવનચક્કીની વીજ લાઈને વધુ બે મોરના મોત નિપજયા છે. ગયા અઠવાડિયે બે મોરના મોત નિપજયા બાદ લોકોના આક્રોશને પગલે અહીં વિજલાઈન અંડર ગ્રાઉન્ડ કરવા સૂચનાઓ અપાઈ હતી. પણ, સૂઝલોન કંપની તંત્રની સૂચનાઓ ઘોળીને પી ગઈ હોવાનો આક્ષેપ દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરીએ કર્યો છે. વધુ બે મોત સાથે એક જ અઠવાડિયામાં ચાર રાષ્ટ્રીય પક્ષીના મોત નિપજતાં રોહા પંથકમાં રોષની લાગણી ફેલાઇ છે. દરમ્યાન નખત્રાણાના ડે.કલે. પ્રવીણ જેતાવતે વિજલાઈન અંડર ગ્રાઉન્ડ કરવાનો મુદ્દો કલેકટર સમક્ષ નિર્ણય માટે મુકાયો હોવાનું જણાવ્યું હતું. નખત્રાણામાં આવેલું રોહા ગામ સૌરાષ્ટ્રના લાઠીના રાજવી કવિ કલાપીનું સાસરિયું છે. રોહા સુમરી પંથકનો આ વિસ્તાર કચ્છમાં સુંદર પર્યાવરણ અને મોરની વધુ સંખ્યા માટે જાણીતો છે. જોકે, કંપનીઓ સરકારના પર્યાવરણના નિયમોને ઘોળીને પી જતી હોઈ વન મહોત્સવ હોય કે પછી વૃક્ષ વાવેતર જેવા અભિયાન માત્ર તાયફા જેવા બની જાય છે અને હયાત પર્યાવરણનો ખો નીકળી જાય છે.

(11:54 am IST)