Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

આરબીએલ બેંક સાથે ૨૪ કરોડના લોન કૌભાંડમાં કચ્છ ભાજપના અગ્રણી જેન્તી ડુમરા સામે ફરિયાદઃ પાર્થ ભદ્રેશ મહેતાની ધરપકડ

મુંબઈમાં કપાસનો વ્યાપાર ધરાવતા સૌરાષ્ટ્રના રહેવાસી ભદ્રેશ વસંતરાય મહેતાના મેળાપીપણામાં ૧૧૯ ખેડૂતોના નામે મેળવેલ લોનમાં મૃત ખેડૂતોને નામે પણ સહીઓઃ જમીનની ઓવર વેલ્યુએશન સહિત અન્ય મુદ્દે આરબીએલ બેંકના અધિકારી પ્રતીક શાહ જવાબદાર

ભુજ,તા.૨૮: ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસના આરોપી એવા કચ્છ ભાજપના અગ્રણી જેન્તી ડુમરા સામે સીઆઇડી ક્રાઇમે કેડીસીસી બેંક લોન કૌભાંડ પછી આરબીએલ બેંકના ૨૪.૬૭ કરોડના લોન કૌભાંડની ફરિયાદ નોંધી છે.

સીઆઇડી ક્રાઈમ બોર્ડર રેન્જ ભુજના ઇન્ચાર્જ ડિટેકટિવ પીઆઇ વી.આર. ડાંગરે નોંધેલી ફરિયાદ મુજબ અમદાવાદની રત્નાકર બેંક (આરબીએલ) માંથી તદ્દન બોગસ આધારો સાથે કચ્છના ૧૧૯ ખેડૂતોને અંધારામાં રાખીને તેમને નામે ૨૪ કરોડ ૬૪ લાખ ૧૧ હજાર ૯૬૦ રૂ.ની લોન પાક ધિરાણ તરીકે લઈને એક મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

બોગસ આધારો સાથે લોન લેનાર આરોપીઓ તરીકે કચ્છ ભાજપના અગ્રણી જેન્તીલાલ જેઠાલાલ ઠકકર (જેન્તી ડુમરા) ઉપરાંત મુંબઈમાં ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશનના નામે કપાસનો મોટો કારોબાર ધરાવતા સૌરાષ્ટ્રના ભદેશ વસંતરાય મહેતા, હિના ભદ્રેશ મહેતા, પાર્થ ભદ્રેશ મહેતા, નવી મુંબઈ વાશીના કચ્છી વ્યાપારી અર્પિત ઇન્ટરનેશનલના અર્પિત ઠક્કર અબડાસા કચ્છના ગિરિરાજસિંહ કનુભા જાડેજા, ચેતન વી. ભીંડે, કુંભાર મામદ સુમાર, કેડીસીસી બેંક નલિયાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સંજય રમેશ ત્રિપાઠી અને આરબીએલ બેંકના અધિકારી વિરુદ્ઘ ૧૧૯ ખેડૂતોના નામે ખોટા આધાર પુરાવા રજૂ કરી ૨૪.૬૪ કરોડની લોન લઈ પાક ધીરાણના બદલે અંગત ઉપયોગમાં લઈ છેતરપીંડી વિશ્વાસઘાત હેઠળ ગુનો આચર્યો હોવાનું જણાવાયું છે.

વર્ષ ૨૦૧૩ દરમ્યાન લેવાયેલ આ લોન માં મૃત ખેડૂતોને ચોપડા પર જીવતા દર્શાવાયા છે. તો, વૃદ્ઘ ખેડૂતોના નામમાં યુવાનોના ફોટા ચોડાયા છે. દરમ્યાન આ કેસમાં વ્યાપારી પાર્થ ભદ્રેશ મહેતાની ધરપકડ કરાઈ છે તેને આજે કોર્ટમાં રજૂ કરાશે. આથી અગાઉ કેડીસીસી બેંકના લોન કૌભાંડની ફરિયાદ બાદ જેન્તી ડુમરા સહિત અનેકોને જામીન મળી ચુકયા છે.

(11:35 am IST)