Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કચ્છમાં કોરોનાનો ખોફ બરકરારઃ વધુ ૧૨ કેસ સાથે કુલ આંકડો ૪૭૫, જુલાઈના ૨૭ દિ'માં ૩૧૧ કેસ સાથે સંક્રમણનો વિસ્ફોટ

આંકડા બાબતે તંત્રની લીપાપોતીથી લોકોમાં ફફડાટઃ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને સરકારનું મૌન ચર્ચામાં

ભુજ,તા.૨૮: કચ્છમાં વધુ ૧૨ કેસ સાથે કોરોનાનો ખોફ બરકરાર રહ્યો છે. નવા કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રીના કેસ ઓછા છે, જયારે સ્થાનિક સંપર્કના સંક્રમણના કારણે કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે અને આ જુલાઈ મહિનાના ૨૭ દિવસમાં જ પોઝિટિવ કેસનો આંકડો ૩૧૧ નો થઈ ગયો છે.

કુલ કેસ ૪૭૫ (પાંચસોની નજીક) પહોંચી ગયા છે. નવા ૧૨ કેસમાં ભુજ શહેરમાં ૧, ભુજની ભાગોળે માધાપર ગામે ત્રણ, અબડાસાના બિટીયારી ગામે ૩, નખત્રાણાના મંજલ ગામે ૨, ગાંધીધામ વિસ્તારમાં ૨ અને નખત્રાણાના કોટડા રોહા ગામે ૧ કેસ નોંધાયો છે. કચ્છની અત્યાર સુધીની આંકડાકીય માહિતી એકિટવ કેસ ૧૭૭, કોરોનાને હરાવીને સાજા થનાર દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે. સાજા થયેલા કેસ ૨૭૪ થયા છે.ઙ્ગ જયારે મૃત્યુ આંક ૨૪ છે, કોરોનાના કુલ કેસ ૪૭૫ નોંધાયા છે.

કચ્છમાં તંત્રના આંકડા અને સરકારના ડેશ બોર્ડના આંકડા વચ્ચે ફરક છે. તો કચ્છના તમામ મીડીયામાં કોરોનાના દર્દીઓની સરકારી યાદી અનુસાર મૃત્યુ આંક ૨૪ દર્શાવાયો છે.

પણ હવે તંત્રની યાદીમાં મૃત્યુ આંક ૨૧ દર્શાવાતાં ખુદ તંત્રની જ અપાયેલી માહિતીની યાદી સામે સવાલ ખડો થયો છે. બિમાર દર્દીઓ સાજા થાય એટલે બિમાર દર્દીઓનો આંકડો ઘટી શકે, પણ મૃત્યુ આંક કેમ ઘટે?

જોકે, કચ્છમાં માહિતી બાબતે સ્થાનિકે તંત્રની વિસંગતતા વચ્ચે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના મૌનથી લોકોમાં ફફડાટ વધ્યો છે.

(11:37 am IST)