Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મહેસાણાના અંબાલા ગામના પુજા પટેલની ઉચી ઉડાનઃ દ્વિતીય સ્થાને વિજેતા જાહેર

વિશ્વ કક્ષાની યોગ વિડીયો બ્લોગીંગ કોન્ટેસ્ટમાં : ર૧ જૂને યોજાયેલ યોગ સ્પર્ધામાં ભારત સહિત વિશ્વના ૩૭૧૦૦ સ્પર્ધકોને મહાત આપી ભારતનું નામ રોશન કર્યુ

ભાવનગર તા. ર૮ :.. સમગ્ર ભારતમાં યોગ - યોગસન પ્રવૃતિને વેગ આપનાર એમ. કે. ભાવનગર યુનિ.ના પૂર્વ ફીજીકલ ડીરેકટર રમુભા જાડેજાએ નિવૃતી પછી પણ સેવાકીય ધોરણે આ પ્રવૃતિને એક આગવું સ્વરૂપ આપવા ર૦૦પ ની સાલમાં 'ઇન્ડીયન ફેડરેશન ઓફ યોગા એન્ડ કલ્ચરલ સંલગ્ન યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશન ઓફ ગુજરાતની સ્થાપના કરી હતી.'

લકુલીશ યોગ વિદ્યાલયના યોગાચાર્ય પૂ. રાજશ્રી મુનીના આશિર્વાદ સાથે ભાવેણાના કલાપ્રેમી ઉદ્યોગપતિ સંતોષભાઇ કામદારનો એસોસીએશનના પ્રમુખ તરીકેનો સધીયારો મળ્યો, જેના માધ્યમથી આ સંસ્થાએ દેશને આંતર રાષ્ટ્રીય સ્તરના  યોગ સ્પર્ધકો ભાવેણાની તારીકા ગોહીલ, હાર્દી દેસાઇ અને જાનવી મહેતા તદઉપરાંત મહેસાણા જીલ્લાના અંબાલા ગામની પૂજા પટેલ અને ગુજરાતના હરેશ પટેલ જેવા તારલા આ દેશને આપ્યા. જે આજે યોગ ક્ષેત્રે ગુજરાતની યશ કલગી સમાન છે. જે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.

તાજેતરમાં જ ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા ગત ર૧ જુન વિશ્વ યોગ દીન નિમિતે યોજાયેલ 'માય લાઇફ માય યોગ વિડીયો બ્લોગીંગ કોન્ટેસ્ટ' માં સમગ્ર વિશ્વના દેશોમાંથી ર૦૦૦ યોગ સ્પર્ધકોએ અને ભારતભરમાંથી ૩પ૧૦૦ સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમાં વિશ્વ સ્તરે ભારતની કુ. રજનીકુમારી પ્રથમ સ્થાને, કુ. પુજા પટેલ દ્વિતીય સ્થાને અને કુ. જાનવી મહેતા તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ.

આઇએફવાય સી સંસ્થા સાથે જોડાયેલ મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામની કુ. પુજા ઘનશ્યામભાઇ પટેલએ હજારો સ્પર્ધકોને મહાત કરી સમગ્ર વિશ્વમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું નામ વિશ્વસ્તરે રોશન કર્યુ છે.રાજય-રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ યોગ સ્પર્ધાઓમાં અનેક વાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચાર વખત 'મિસ વર્લ્ડ યોગીનીનું બીરૂદ ચાર વખત, મિસ ઇન્ડીયા યોગીનીનું બીરૂદ ૧૮ વખત પ્રાપ્ત કરેલ છે. તેમજ યોગક્ષેત્રની સ્કુલ સ્પર્ધા, ઓપન ગેઇમ અને ખેલ મહાકુંભમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી ૯ર મેડલ અને ૧૩૯ ટ્રોફી મેળવેલ છે. કુમારી પુજા પટેલની આ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સિધ્ધી બદલ યોગા અને કલ્ચરલ એસોસીએશન ઓફ ગુજરાતના ચેરમેન યોગાચાર્ય રાજશ્રીમુની, પ્રમુખ સંતોષભાઇ કામદાર અને જનરલ સેક્રેટરી જાડેજાએ અભિનંદન પાઠવેલ છે.'

તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન દ્વારા ર૧ મી જુનના વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશુ અને કોરોના ભગાવીશુનુ જનજાગૃતિ અભિયાન આ ગુજરાતની યોગીની પુત્રી પુજા પટેલ એ સઘન રીતે ચલાવ્યું જેને સમગ્ર ગુજરાતમાંથી  બહોળો પ્રતિસાદ મળ્યો છે. લોકો અત્યારનાં પર્યાવરણમાં શારીરિક પાવર વધારવા યોગ પ્રવૃતિ તરફ વળ્યા છે જે કુમારી પુજા પટેલની ફલશ્રુતિ છે.

(11:50 am IST)