Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ચોટીલાની પંચાળ ભૂમિમાં સમૂહલગ્ન સહિત સેવા કાર્યો કરનાર સંત પૂ. રામાનંદબાપુ બ્રહ્મલીન

વઢવાણ તા. ૨૮ : ચોટીલા પંથકની પંચાળ ભૂમિના માંડવ વનમાં ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલ પ્રસિદ્ઘ ખોડિયાર આશ્રમના મહંત પૂ.રામાનંદ બાપુનો દેહવિલય થયેલ છે.

પૂ.રામાનંદ બાપુનો ખોડિયાર આશ્રમ પહેલા ચોટીલા હાઇવે પર જલારામ મંદિર સામે હતો. આશ્રમમાં બાપુએ સર્વજ્ઞાતિય સમુહલગ્ન ના આયોજનો કરી અનેક દીકરીઓને ભરપુર કરિયાવર કર્યો હતો.

જયારે આશ્રમમાં અંધ-અપંગ ગાયો માટે ગૌશાળા, દેવી સપ્તાહ, ભાગવત સપ્તાહ, પશુઓ માટે નિદાન સારવાર કેમ્પ, દર્શનાર્થીઓને ચા નાસ્તો ભોજન વ્યવસ્થા, નવચંડી યજ્ઞ સહિત સેવાના કાર્યોની આશ્રમમાં ધુણી ધખાવી હતી.

રામાનંદબાપુએ ચોટીલાના માંડવ વનના ઝરીયા મહાદેવ રોડ ઉપર ખોડિયાર આશ્રમની સ્થાપના કરી સેવાના કાર્યો શરૂ રાખ્યાં હતાં.પૂ.રામાનંદ બાપુનો ટુંકી બીમારી બાદ રાજકોટ ચાલુ સારવાર દરમ્યાન તાજેતરમાં દેહ વિલય થતાં બાપુના રાજકોટ, મોરબી, સુરત, વડોદરા સહિત સમગ્ર ચોટીલા પંથકમાં બાપુના સેવકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

પૂ.રામાનંદ બાપુને આશ્રમમાં જ પૂ. બ્રહ્મચારી બાપુ, ભરતગિરિ ગોસ્વામી અને બાપુના સેવકોની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે સમાધિ આપવામાં આવી ત્યારે સૌ ભકતો સેવકોની આંખોમાં અશ્રુ ઉમટી આવ્યાં હતાં. હવે આશ્રમના મહંત તરીકે પૂ.બ્રહ્મચારી બાપુ ધાર્મિક , માનવતાના કાર્યો શરૂ રાખી સેવાની જયોત જલતી રાખશે તેવું પૂ.બ્રહ્મચારી બાપુ એ જણાવ્યું હતું.

(11:57 am IST)