Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વીરપુર પાસે સીમ વિસ્તારમાં ત્રણ નદીના સંગમ સ્થાને બિરાજતા દર્શનીય શ્રી ત્રિવેણીશ્વર મહાદેવ

વીરપુર (જલારામ), તા.૨૮:પવિત્ર શ્રાવણ માસમાં શિવભકતો શિવભકિતમાં લીન હોય છે અને શિવમંદિર તેમજ શિવાલયોમાં જઈને શિવભકિત કરતા હોય છે સૌરાષ્ટ્રમાં દેવાધિદેવ મહાદેવના અનેક નાના મોટા શિવાલયો અને શિવ મંદિરો છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીમાં શિવભકતોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક તેમજ હાથ સેનેટાઇઝ કરીને જ સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર જલારામધામે વનવગડામાં સીમ વિસ્તારમાં બિરાજતા શ્રી ત્રિવેણીશ્વર મહાદેવની આરાધના કરવામાં આવે છે.

વિરપુર એક પ્રવિત્ર ભૂમિ જે સંત શિરોમણી જલારા બાપાના નામથી જગવિખ્યાત છે, મનાય છે જયાં પૂજય જલારામ બાપાના મંદિર સાથે સાથે છ થી સાત જેટલા શિવમંદિરો પણ આવેલા છે તેમાનું એક પૌરાણિક શિવમંદિર જે વીરપુર ગામની સીમ વિસ્તારમાં વનવગડામાં આવેલું છે જયાં ત્રણ નાની નદીઓનો સંગમ થાય છે સરિયામતી નદી, ધાબી નદી, સેમળા નદી આ ત્રણ નદીઓનો સંગમ સ્થાન એટલે ત્રિવેણી, આ ત્રિવેણી સંગમના વચ્ચે બિરાજમાન છે શ્રી ત્રિવેણીશ્વર મહાદેવ.

એક લોકવાયકા મુજબ પહેલાના સમયમાં આ ત્રણ નદીઓના કાંઠે ગોવાળો અને માલધારીઓ પોતાના પશુઓને ચારો ચરાવવા આવતા અને પશુઓ ચારો ચરી લે બાદ આ ત્રિવેણીમાં પાણી પીવડાવતા હતા એક સમય માલધારીઓના પશુઓ ચારો ચરતા હતા ત્યારે બધા માલધારીઓ આ ત્રણ નદીના સંગમ તટ પર બેઠા હતા કોઈ એક ગોવાળની નજર એક પથ્થરના ઢગલા પર પડી તેમણે જોયું તો ત્યાં એક શિવલિંગ પથ્થરો વચ્ચે દટાયેલ નજરે પડી તેમણે બીજા બધા માલધારીઓને જાણ કરી અને એ પથ્થરના ઢગલાને હટાવ્યા ત્યાં સ્વયંભુ આખી શિવલિંગ નીકળી અને ગોવાળો અને માલધારીઓએ તે શિવલિંગને ત્યાંજ રાખી તે શિવલિંગ ઉપર કાચા પથ્થરોની ડેરી બનાવી દરરોજ પોતાના પશુઓ ચરાવવા જાય ત્યારે તે શિવલિંગ પર બીલીપત્ર ચડાવીને પૂજા કરતા ત્રણ નદીઓના સંગમ સ્થાન પર આ શિવલિંગ મળી આવતા અને ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ થી આ મહાદેવનુ નામ શ્રી ત્રિવેણીશ્વર મહાદેવ પડ્યું હોવાનું મનાય છે.

વીરપુર ગામના શિવભકતોને જાણ થતાં ૧૯૫૦ થી લઈને અત્યાર સુધીમાં ત્રણ વખત આ ત્રિવેણીશ્વર મહાદેવ મંદિરનો જીણોધાર કરવામાં આવ્યો હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી આ શિવમંદિરની આજુબાજુ પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે ત્રણ નદીઓના નિર વહેવાનો ખળખળ અવાજ ચારેતરફ હરિયાળી અને દ્યટાટોપ વૃક્ષો પર પક્ષીઓના કલરવ વચ્ચે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દર્શન કરી હરકોઈ માનવીના મન પ્રફુલ્લિત થઈ જાય છે

હાલ આ મંદિરમાં પૂજય કુલદીપ ભારથી બાપુ મહાદેવની સેવાપૂજા કરે છે.પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે પવિત્ર શ્રાવણ માસમાં શિવભકતોને સોશ્યલ ડિસ્ટન્સ તેમજ મોઢા પર માસ્ક અને હાથ સેનેટાઇઝ કરીને જ શિવભકતો શ્રી ત્રિવેણીશ્વર મહાદેવને શીશ જુકાવીને પુણ્યનું ભાથું બાંધે છે.સાથે સાથે કોરોના વાયરસની મહામારીમાં શ્રી ત્રિવેણીશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં શિવભકતોને ભારે ભીડ ન કરવા તેમજ સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેમ મંદિરના પુજારી કુલદીપ ભારથી બાપુ દ્વારા શિવભકતોને અનુરોધ કર્યો છે.

(12:08 pm IST)