Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જામનગર-દેવભૂમિ દ્વારકા વચ્‍ચે આવેલ નાયરા એનર્જી લીમીટેડ કંપનીના વિસ્‍તરણ મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજીત પર્યાવરણીય લોક સુનાવણી મોકુફઃ કોરોના મહામારીમાં લોકો એકત્ર ન થાય તે માટે રજૂઆત બાદ નિર્ણય

અમદાવાદઃ જામનગર દેવભૂમિ દ્રારકા વચ્ચે નાયરા એનર્જી લીમીટેડ કંપનીનાં વિસ્તરણનાં મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( GPCB ) દ્રારા તા. 28 અને 29મી જુલાઇનાં રોજ યોજવામાં આવેલી પર્યારણીય લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. એક તરફ સરકાર કોરોનામાં લોકોને જરૂર વિના બહાર નહીં નીકળવાની સલાહ આપે છે. બીજી તરફ સરકારનાં જ વિભાગ એવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા લોકોને પર્યાવરણીય લોક સુનાવણી માટે બોલાવી રહી છે.

આ અંગે પર્યાવરણ મિત્રની રજૂઆતનાં પગલે ઉક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.

જામનગર દેવભૂમિ દ્રારકા વચ્ચે આવેલી નાયરા એનર્જી લીમીટેડ કંપનીનાં વિસ્તરણનાં મામલે સુનાવણી યોજાવાની હતી.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા આગામી તા. 28 અને 29મી જુલાઇનાં રોજ પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હકીકતની જાણ થતાં પર્યાવરણ મિત્ર મહેશ પંડયાએ જામનગર તથા દેવભૂમિ દ્રારકાનાં જિલ્લા કલેકટરો તથા GPCBને પત્ર લખ્યો.

પત્ર લખીને કોવીડ-19ની પરિસ્થિતિમાં ભારત સરકાર અને ગુજરાત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અનલોક-2ની ગાઇડલાઇન બહાર પાડી છે. તેમાં વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ સંજોગોમાં પર્યાવરણીય લોક સુનાવણી કરવાથી હજારો લોકો ભેગા થશે. જેનાંથી કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી લોક સુનાવણી મોકૂફ રાખવા માંગ કરી હતી. આ ઉપરાંત રાજ્યનાં મુખ્યમંત્રી, રાજ્યનાં પોલીસ વડા તથા આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ તેમ જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઇને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તેની વેબસાઇટ પર સુનાવણી આવતા મહિના સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી હોવાનું મહેશ પંડયાએ જણાવ્યું છે.

(5:00 pm IST)