Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ભરશિયાળે ચોમાસુઃ ઠેર-ઠેર માવઠુઃ વાતાવરણ ટાઢુબોળ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યના મોટાભાગના શહેરોમાં અચાનકમાં વાતાવરણમાં આવ્યો પલ્ટોઃ અનેક સ્થળે ઝરમરીયો વરસાદઃ ઠંડીની સાથે વરસાદની સીઝનનો અહેસાસઃ બે દિવસ પછી ઠંડી વધશેઃ લઘુત્તમ તાપમાન યથાવતઃ પવનના સૂસવાટાઃ ખેડૂતોમાં ચિંતા પ્રસરીઃ પાકને નુકસાન

પ્રથમ તસ્વીરમાં દ્વારકા, બીજી તસ્વીરમાં મીઠાપુર, ત્રીજી તસ્વીરમાં કચ્છમાં, ચોથી તસ્વીરમાં ધ્રોલ - પડધરી વચ્ચે વરસતો વરસાદ, પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં ખંભાળીયા, સાતમી તસ્વીરમાં ધ્રોલમાં ૮મી તસ્વીરમાં ગોંડલમાં છવાયેલ વાદળા, નવમી તસ્વીરમાં આટકોટમાં છવાયેલ વાદળા તથા દશમી અને અગીયારમી તસ્વીરમાં કચ્છમાં વરસાદ તથા ઝાકળાવર્ષા નજરે પડે છે. (તસ્વીરઃ વિનુભાઇ સામાણી - દ્વારકા, દિવ્યેશ જટાણીયા - મીઠાપુર, વિનોદ ગાલા - ભુજ, ભાવેશ ભોજાણી - ગોંડલ, સંજય ડાંગર - ધ્રોલ, કરશન બામટા - આટકોટ, કૌશલ સવજાણી - ખંભાળીયા)
રાજકોટ તા.૨૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે સાંજે કચ્છના  અનેક વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું જયારે ગઈકાલ રાતથી રાજકોટ, દ્વારકા,  મોરબી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
આજે સવારે પણ દેવભૂમિ દ્વારકા ખંભાળિયા કચ્છના ભચાઉં રાપર જામનગર જિલ્લાના જોડિયા લાલપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે રાજકોટમાં પણ આજે સવારે વરસાદનુ જોરદાર ઝાપટુ વરસી ગયું હતું.
આજે સવારે વરસાદી વાતાવરણ સાથે ઝાકળ વર્ષા પણ વરસી હતી જોકે ઠંડકમા રાહત યથાવત છે અને પવનના સુસવાટા ફૂકાઈ રહ્યા છે.
ગઈકાલે અને આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને ઉંત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં માવઠું પડવાની આગાહી કરાઈ હતી. ત્યારે અમદાવાદ સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા અને થરા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજયમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીથી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અગાઉં નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. આાગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલો પાક પણ ઢાંકી દેવામાં આવ્યો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા., ર૮:  ભાવનગરમાં આજે સવારે કમોસમી વરસાદના છાંટા પડયા હતા.
ગોહેલવાડ પંથકમાં આજે સવારથી ૪ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સવારે શહેરમાં વરસાદના છાંટા પડતા રસ્તા ભીના થયા હતા. ધુપ-છાવનો માહોલ જળવાઇ રહયો હતો. માવઠાની આગાહી વાતાવરણમાં પલ્ટો આવ્યો છ.
(હસમુખભાઇ કંસારા) ધ્રોલ, તા., ર૮: ધ્રોલ તાલુકામાં ગઇકાલ સાંજથી હવામાનમાં પલ્ટો આવી જતા માવઠાનો માહોલ સર્જાયેલ. ગઇ રાત્રીથી ઝરમર ઝરમર વરસાદ પડવાનું શરૂ થયેલ છે. આજે સવારે પણ આ વરસાદ ચાલુ છે. ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો પ્રસરવાનો ભય પણ સેવાઇ રહેલ છે.
ધ્રોલ તાલુકામાં આવેલા માવઠાના વરસાદને કારણે શીયાળુ પાકો કપાસ, ચણા, જીરાને નુકશાન થાની ભીતી સેવાઇ રહેલ છે અને આ પાકોના ઉંત્પાદનમાં ઘટાડો થવાની પરિસ્થિતિ સર્જાયેલ છે.
મીઠાપુર
(દિવ્યેશ  જટાણીયા દ્વારા) મીઠાપુરઃ ઓખામંડળના મીઠાપુર અને સુરજકરાડી વિસ્તારમાં ગઇકાલ સાંજથી જ અચાનક વાતાવરણમાં ભારે પલ્ટો જોવા મળ્યો છે. આજે અચાનક જ વાવાઝોડા જેવો પવન ફુંકાયો લાગ્યો હતો. ધુળની ડમરીઓ ઉંડવા લાગી હતી એને જોતજોતામાં તો વરસાદ શરૂ થઇ ગયો હતો. આખી રાત અને વહેલી સવારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા રોડ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા અને ખુબ જ ઠંડી પડવા લાગી હતી. આને કારણે જનજીવન પ્રભાવી થયું હતું. (દિવ્યેશ જટનીયા-મીઠાપુર)
ધોરાજી
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ આજે વહેલી સવારથી જીણોજીણો વરસાદના છાંટા પડવાનું ચાલુ છે અને આ કમોસમી વરસાદથી ખેડુતોની ચિંતામાં વધારો થયેલ છે. અને રવી પાક જેવા કે ઘઉં ધાણા ચણા જીરૂ લસણ અને કાસના પાકસને નુકશાન થાય છે એમ ખેડુત અગ્રણી મગનભાઇ વઘાસીયાની યાદીમાં જણાવેલ છે.
જામજોધપુર
(અશોક ઠાકર દ્વારા) જામજોધપુરઃ જામજોધપુર સહીત ગ્રામ્ય પંથકમાં ધુમ્મસ સાથે કમોસમી હળવા છાંટા પડતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ખેતરમાં રહેલ વિવિધ પાકોને નુકશાની જવાનો ભય છે.
ખંભાળિયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ ખંભાળિયા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટયા બાદ ગઈકાલથી વાતાવરણમાં પલટો શરૂ થયો હતો, ગતરાત્રે ફૂંકાયેલા ઠંડા પવન બાદ બદલાયેલા મોસમથી વાદળોની જમાવટ થઈ હતી, આજે સવારથી ખંભાળિયા પંથકમાં ધીમા છાંટા વચ્ચે સવારે જુદા જુદા વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું છે.
દેવભૂમિ દ્વારકા ખાતે ગત રાત્રીના હળવા છાંટા વરસ્યા હતા, આ પછી ખંભાળિયા તાલુકામાં આજે સવારથી વારંવાર અવિરત રીતે વરસાદી છાંટા વરસવાના કારણે માર્ગો પાણીથી તરબતર બન્યા હતા, આટલું જ નહિ, ધીમા પવન સાથે વાતાવરણમાં એકાએક આવેલા પલટાથી સુસવાટા મારતા પવનમાં લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
આમ, આજે સવારે સ્વેટર-ટોપી સાથે રેઇનકોટ અને છત્રી પણ અનિવાર્ય જણાઇ હતી. આ કમોસમી માવઠાને કારણે ખેતરોમાં ઉંભેલા પાકને નુકશાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા, વાતાવરણમાં આવેલા આ પલટાથી જનજીવન પ્રભાવિત બન્યું છે અને આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉંન્ડ આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
વાંકાનેર
(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેરઃ  વાંકાનેરના ગઈકાલે રાત્રે આઠ વાગ્યાં આસપાસ છાંટા આવેલ અત્યારે લખાય છેં ત્યારે સવારે ૯.૩૦ વાગ્યે પણ સવારના આઠ વાગ્યાંથી ધીમી ધીમી ધારે છાંટા આવી રહયા છે. આવી ઠંડીમા છાંટા આવતા સવારે વિદ્યાર્થીઓ સ્કૂલમા પણ સવારે જતા દેખાયા અત્યારે છાંટા આવવાથી માણસો બીમાર પડે ખેતીમા નુકસાન થાય.
ભુજ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે કચ્છમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ જામ્યો છે. ગઈ કાલે મુન્દ્રા, માંડવી, નખત્રાણા, રાપરમાં છૂટો છવાયો એક દોઢ ઈંચ વરસાદ પડયો હતો તો, અન્ય તાલુકાઓમાં માવઠા સાથે વરસાદે હાજરી પુરાવી હતી. હવામાન પલટાયા ની સાથે જ ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થયો છે. આજે બીજે દિ’ સવારે ધાબડિયા માહોલ વચ્ચે ભારે ઝાકળ વર્ષા સાથે ચોમાસા જેવો જ માહોલ થઈ ગયો છે. દરમ્યાન ઠંડો પવન ફૂંકાવાના કારણે એકાએક ઠંડીમાં તીવ્ર વધારો થયો છે. ગઇકાલે ઘણા ગામોમાં મોટા કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠું થતાં પાકને નુકસાન થયું છે.
હળવદ
(દીપક જાની દ્વારા) અહીંના રણકાંઠા વિસ્તારોમાં ભરશિયાળે માવઠું થયું હતું. કડકડતી ઠંડી વચ્ચે અચાનક ફ્રી કમોસમી વરસાદ વરસતા લોકો અચરજમાં મુકાયા હતા. જો કે આ માવઠાને પગલે ખેડૂતો અને અગરિયાઓમાં ચિંતા પણ પ્રસરી છે.
હળવદના રણકાંઠા વિસ્તારમાં ગઈકાલે  હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. શિયાળામા કડકડતી ઠંડી વચ્ચે ગઈકાલે  અચાનક જ માવઠુ શરૂ થયું હતું. ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણી સહિતના ગામોમા વરસાદી ઝાપટા પડ્યા હતા. આ માવઠાથી અગરીયા તેમજ ખેડૂતો નુકસાનની ચિંતામાં ગરક થઈ ગયા હતા.
માવઠાની આગાહી અને કચ્છમાં થયેલ માવઠાની અસર હળવદ તાલુકાના ટીકર, ખોડ, જોગડ, મિયાણી વિગેરે ગામોમાં થોડીવારમાં માટે જોરદાર વરસાદ વરસ્યો હતો. આ માવઠા થી ગામ માં પાણી પાણી થઈ ગયું હતું. અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફ્રી વળ્યું હતુ.
આટકોટ
(કરશન બામટા દ્વારા) હવામાન ખાતા દ્વારા આગાહી, પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા પડયા હતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફ્ેલાઇ ગઇ હતી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડો પવન ફ્ુંકાયો હતો આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ ગયું હતું અને છ વાગે વરસાદી છાંટા પડયા હતા શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે જીરૂ ચણાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે ઠંડો પવન ફૂંકાતા ઠંડીમા પણ વધારો જોવા મળ્યો હતો.

 

(11:08 am IST)