Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

યુવા ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ મનીષસિંગ સહિતનાની ઉપસ્‍થિતીથી ભારે ચર્ચા

અમરેલીઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, છતાં અનેક એવા વીડિયો આવી રહ્યા છે જેમાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. ગઈકાલે (સોમવારે) બોટાદ બાદ અમરેલીના જાફરાબાદમાં પણ કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. જાફરાબાદમાં પણ ભાજપ યુવા મોર્ચાએ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ વચ્ચે ક્રિકેટનો તાયફાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.

અહીં બોટાદની જેમ જાફરાબાદમાં પણ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે રાજકીય નેતાઓ કહીને કહીને થાકી ગયા કે કોરોના નિયમોનું પાલન કરો અને ભીડ ભેગી ન કરો. તેમ છતાં ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હાજર રહીને નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી રહ્યા છે. આ કેટલું યોગ્ય છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે જાફરાબાદ શહેરમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં કોરોના નિયમોને નેવે મૂકીને ક્રિકેટની ઉજવણી કરાઈ હતી. જેમાં કોરોનાના નિયમો તૂટ્યા છે. જાફરાબાદ નગરપાલિકા અને યુવા ભાજપ મોરચા સંયુક્ત સહકારથી નાઈટ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યુવા ભાજપ મનીષ સિંગ, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશ દેસાઈ, લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, અમરેલી સાંસદ, નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, જિલા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ સહિત નેતાઓ હાજર હતા.

મહત્ત્વનું છે કે જાફરાબાદ શહેરમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ કોઈએ માસ્ક પહેર્યું નહોતું કે ના તો કોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું હતું. અહીં ટોળા ભેગા થઈને ઉજવણી કરી હતી. જેનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયુવેગે વાયરલ થયો છે.

(5:39 pm IST)