Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

તંત્રની બેફિકરાઈ વચ્ચે કોરોનાના ભાગેલ દર્દી કચ્છના અંજારમાંથી ઝડપાયો : પોલીસને જાણ મોડી કરાયાનો આક્ષેપઃ કુલ કેસનો આંક ૫૦૦ ને પાર

ભુજ વડનગર બસમાં ચડતા કોરોનાના દર્દીનું સીસી ટીવી ફૂટેજ પછી ચિંતા વધીઃ તંત્ર બેફિકરઃ કુલ કેસ ૫૧૦

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૩૧: કચ્છમાં કોરોનાની કામગીરીથી માંડીને જાહેરનામા સુધીની બાબતે તંત્ર વચ્ચે રહેલા અસંકલન પછી વધુ બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં જીવતા બોમ્બ જેવો કોરોનાનો દર્દી સારવાર દરમ્યાન નાસી છૂટ્યો હતોે. એટલું જ નહીં સવારે નાસી છૂટેલા આ દર્દી અંગે પોલીસને પણ છેક રાત્રે જાણ કરાઈ હતી. જોકે, જાણ કરાયા પછી તુરત જ પગલાં ભરીને પોલીસે તપાસ હાથ ધરી સીસી ટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાંથી ગઈકાલે સવારે ભાગી ગયેલા અંજારના દર્દીનો વીડીયો સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા આ દર્દી અંજાર ેરેલ્વે સ્ટેશન ઉપરથી ઝડપાઇ ગયો છે. જેને પકડીને સારવાર માટે ખસેડાયો છે.. નાસી છુટેલો આ દર્દી વેલસ્પન કંપનીનો કામદાર છે, તેનું નામ સીતારામ કુંવટ (ઉ.૪૭, રહે. મફતનગર, અંજાર) છે. તે ભુજની જીકે જનરલ હોસ્પિટલનાના બસ સ્ટેશન પરથી ભુજ -વડનગર બસમાં સવારના ભાગે બેઠો હોવાનું બહાર આવ્યું હતું. આ, દર્દી કોરોના પોઝિટિવ હોઈ ભુજ-વડનગર બસના પ્રવાસીઓને કવોરેન્ટાઈન થવાની પોલીસ દ્વારા સલાહ અપાઈ છે.

૧૨ નવા કેસ સાથે આંકડો ૫૦૦ ને પાર

કચ્છમાં આજે કોરોનાના ૧૨ નવા કેસ સાથે કુલ કેસનો આંકડો ૫૦૦ ને પાર થઈ ગયો છે, અત્યાર સુધીના કુલ કેસ ૫૧૦ થયા છે.

એકિટવ કેસ ૧૭૩, મૃત્યુ આંક ૨૫

આજે ૨૧ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કોરોનાને હરાવીને સાજા થનારાની સંખ્યા વધીને ૩૧૯ થયો છે. નવા દર્દીઓમાં સૌથી વધુ અંજારના પાંચ, ગાંધીધામના બે, ભુજ ના બે, નખત્રાણાના બે અને ભચાઉના એક છે.

(11:32 am IST)