Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

કોરોના સંક્રમણ અને આરોગ્ય સ્ટાફની બેદરકારી મુદ્દે કુંવરજીભાઇ બાવળીયાની કડક સુચના

જસદણ પંથકમાં કેસ વધતા રોગી કલ્યાણ સમિતિની તાકીદની બેઠક

આટકોટઃ જસદણમાં કોરોના કેસોનો રાફડો ફાટયો છે. ત્યારે ગઇકાલે કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ પ્રાંત કચેરી ખાતે આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય કાર્યવાહી કરવાની ચિમકી આપતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

જસદણ પંથકમાં કોરોનાના કેસો વધવા લાગતા જસદણ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગઇકાલે બેઠક બોલાવી હતી. જેમાં આવનારા દિવસોમાં કોરોના સંક્રમણ ઘટાડવા તેમજ જસદણના સરકારી દવાખાનામાં સામાન્ય બીમારી હોય દર્દીને ત્યાં જ સારવાર આપવાને બદલે રાજકોટ ખસેડી દેવામાં આવતા હોય આવુ ન કરવા સ્થાનીક આરોગ્ય અધિકારી સામે લાલ આંખ કરતા અમુક કામચાર કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

સાણથલીનાં કોરોનાગ્રસ્ત દર્દીના આરોગ્ય ખાતાની બેદકકારીથી થયેલા મોતના મામલે પણ તેઓએ જવાબદાર અધિકારી સામે પગલા લેવાશે તેવુ પણ જણાવ્યું હતું.

ગઇકાલે સવારે તેઓ રાજકોટથી સીધા સાણથલી  આવી સથાનીક આગેવાનો પાસેથી વિગતો મેળવી હતી અને આ બનાવમાં ઘટતુ કરવા ખાત્રી આપી હતી.

જસદણનાં સરકારી દવાખાને પણ ઘટતી સુવિધા માટે અને દર્દીઓની સામાન્ય સારછવાર માટે જસદણ ખાતે પુરતી સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રીને અને સચિવને પણ જાણ કરી હોવાનું કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

જસદણ-વિંછીયા તાલુકો ઘણો પછાત હોય અનેક ગરીબ પરીવારના દર્દીને સરકારી દવાખાનામાંથી કાંતો રાજકોટ અથવા સ્થાનીક ખાનગી દવાખાને ખસેડી દેવામાં આવતા હોવાની ફરીયાદો અવાર-નવાર સામે આવતી હોય હવે આવુ ન કરવા સ્થાનીક ડોકયટરોને કડક સુચના આપતા કેબીનેટ મંત્રીના આ પગલાથી લોકોમાં પણ રાહતની લાગણી ફેલાઇ જવા પામી છે.

આ બેઠકમાં પ્રાંત અધિકારી ગલ્ચર, જીલ્લા આરોગ્ય અધિકારી ભંડેરી, સ્થાનીક આરોગ્ય અધિકારીઓ અને સાથથલી  વિસ્તારના આરોગ્ય અધિકારીઓની ટીમ સહીતના ઉપસ્થિત રહયા હતા.

(11:52 am IST)