Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

એમએસ ધોનીની વિનિંગ સિક્સરના જ ઉલ્લેખ સામે ગૌતમ ગંભીર નારાજ

બે એપ્રિલ ૨૦૧૧એ ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો : ફાઇનલમાં એમએસ ધોની-ગૌતમ ગંભીરે યાદગાર ઈનિંગ્સ રમી હતી પણ લોકો આજે પણ ધોનીની વિનિંગ સિક્સરને જ યાદ કરે છે

નવી દિલ્હી, તા. ૨ : આજે પણ જ્યારે તમે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર એમએસ ધોનીને યાદ કરો તો વર્લ્ડકપની ફાઈનલમાં ધોનીએ લગાવેલો છગ્ગો ચોક્કસ યાદ આવશે. ધોનીના જીવન પર બનેલી ફિલ્મમાં પણ આ છગ્ગાને ઘણું મહત્વ આપવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમે આજથી બરાબર ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨જી એપ્રિલ ૨૦૧૧ના રોજ ૨૮ વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને વર્લ્ડકપ જીતી લીધો હતો. આ દરમિયાન ધોની અને ગૌતમ ગંભીરે યાદગાર ઈનિંગ્સ રમી હતી. ગૌતમ ગંભીરે માત્ર એ વિનિંગ છગ્ગા વિશે વાત કરવાની બાબતે વાંધો ઉઠાવ્યો છે.

વર્લ્ડકપ ફાઈનલમાં ગૌતમ ગંભીરે શાનદાર પ્રદર્શન કરીને ૯૭ જ્યારે ધોનીએ અણનમ ૯૧ રન માર્યા હતા. જ્યારે યુવરાજસિંહે અણનમ ૨૧ રન સાથે ૨ વિકેટ પણ લીધી હતી. પેસર ઝહીર ખાને પણ ૨ વિકેટ લીધી હતી. મુનાફ પટેલને કોઈ વિકેટ નહોતી મળી પરંતુ મુનાફે શ્રીલંકાના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. અંતમાં શાનદાર છગ્ગા સાથે ટીમ ઈન્ડિયાએ મેચમાં શાનદાર વિજય મેળવી લીધો હતો.

ધોનીનો એ છગ્ગો આજે પણ જ્યારે વર્લ્ડકપની વાત આવે ત્યારે તેનો ઉલ્લેખ કરાતો જ હોય છે. પરંતુ ગંભીરે આ અંગે સવાલ ઉઠાવ્યો છે.

આ જીતને યાદ કરીને ગૌતમ ગંભીરે એક વાતચીતમાં જણાવ્યું કે, વર્લ્ડકપમાં જીતના સંભવતઃ ૧૪ ગુમનામ હીરો હતા. મુનાફ, હું, હરભજનસિંહ અને વિરાટ કોહલી જેમણે પહેલી મેચમાં સદી લગાવી હતી, સુરેશ રૈના જેમણે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું. આ સિવાય તમામ ખેલાડીઓએ મહત્વનું યોગદાન કર્યું હતું. આજે હું ૧૦ વર્ષ પછી જોઉં છું તો લાગે છે કે 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ' બન્યા છતાં તે ગુમનામ છે. તમે એમના વિશે વાત નથી કરતા, પરંતુ લોકો એક છગ્ગા વિશે જ ચર્ચા કરે છે. બધાના યોગદાનથી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. જ્યારે ભારતને ફાઈનલમાં જીતવા માટે ૪ બોલમાં ૧૧ રનની જરુર હતી ત્યારે ધોનીએ સિક્સ લગાવીને વર્લ્ડકપને ભારતના નામે કર્યો હતો. યુવરાજે વર્લ્ડકપમાં ૩૬૨ રન બનાવવાની સાથે ૧૫ વિકેટ લીધી હતી. યુવીએ ટી૨૦ વર્લ્ડકપ અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજે પાંચમા બોલર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગંભીરે કહ્યું, લોકોનું કહેવું હતું કે આ જીતનો ગુમનામ નાયક હું હતો, પરંતુ મારા માટે બન્ને વર્લ્ડકપમાં યુવરાજ ગુમનામ હીરોની ભૂમિકામાં હતા. મને લાગે છે કે તેમના યોગદાન વગર ભારત ૨૦૧૧માં વર્લ્ડકપ જીતી ના શક્યું હોત. મારા માટે બન્ને વર્લ્ડકપમાં તેઓ મોટા ખેલાડી હતા. જો બન્ને વર્લ્ડકપ માટે મારે કોઈ એક ખેલાડીનું નામ લેવાનું હોય તો તે યુવરાજ જ હશે. હા મેં ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં ૭૫ રન કર્યા હતા પરંતુ મને લાગે છે કે જે તેમણે કર્યું તેની બરાબરી કોઈ ના કરી શકે.

(8:17 pm IST)