Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પોલેન્ડની વર્લ્ડ નંબર-1 ઈગા સ્વિયાતેકે ફ્રેન્ચ ઓપનમાં બીજી વાર જીત્યું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ

ફાઈનલમાં સ્વિયાતેકે અમેરિકાની 18 વર્ષીય સ્ટાર કોકો ગોફને સીધા સેટોમાં 6-1, 6-3થી પરાજય આપ્યો

પોલેન્ડની વર્લ્ડ નંબર-1  ઈગા સ્વિયાતેકે શનિવારે મોટી સિદ્ધિ હાંસલ કરતાં ફ્રેન્ચ ઓપન કારકિર્દીમાં બીજી વખત ટેનિસ ગ્રાન્ડ સ્લેમ જીતી લીધું હતું. ફાઈનલમાં સ્વિયાતેકે અમેરિકાની 18 વર્ષીય સ્ટાર કોકો ગોફને સીધા સેટોમાં 6-1, 6-3થી પરાજય આપ્યો હતો

કોકો ગોફ કારકિર્દીમાં ત્રીજી વખત ફ્રેન્ચ ઓપનમાં રમી રહી હતી.  અગાઉ ગોફ કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશી શકી નહોતી. આ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી. આ વખતે કારકિર્દીમાં સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનું કોકો ગોફનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ. આથી જ હાર્યા બાદ તેણે આંસુ વહાવ્યા હતા. કોકો ગોફ ભાષણ આપતી વખતે ભાવુક બની હતી અને આંસુ લૂછતી વખતે બધાનો આભાર માન્યો હતો

ઇગાની  આ બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હતી. અગાઉ તે એક વખત ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમી ચુકી છે જેમાં તેણે જીત મેળવી હતી. તેણે 2020માં આ ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ ઈગાએ ફાઈનલ જીતીને કારકિર્દીનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતુ. ઈગા ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી.

કોકો ગૌફે ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલથી આગળ વધીને આગેકૂચ કરી હતી. આ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી. તે 2021માં ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ હતી. ડબલ્યુટીએ વર્લ્ડ રેન્કિંગમાં કોકો ગોફ હાલમાં 23માં ક્રમે છે. કોકો ગોફે સેમિ ફાઈનલમાં ઈટાલીની માર્ટિના ટ્રેવિસનને સીધા સેટોમાં 6-3-6-1થી પરાસ્ત કરી હતી. કોકો ગોફ 18 વર્ષ બાદ ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમનારી સૌથી યુવા મહિલા ખેલાડી બની ગઈ છે. વર્ષ 2004માં રશિયાની મારિયા શારાપોવા સૌથી નાની ઉંમરની મહિલા ખેલાડી બની હતી. ત્યારે મારિયા વિજેતા બની હતી

 

(9:16 pm IST)