Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં આખી ટીમ 8 રનમાં ઓલ આઉટ થઇ

UAE સામેની મેચમાં નેપાળની યુવા મહિલા ટીમ 8 રનમાં જ સમેટાઈ : બંનેમાંથી કોઈ પણ ટીમ દસ આંકડામાં રન બનાવી શકી નહીં : યુએઈના તીર્થ સતીશે સૌથી વધુ અણનમ ચાર રન ફટકાર્યા અને માહિકા ગૌરે ચાર ઓવરમાં બે મેડન સાથે પાંચ વિકેટ ઝડપી

નેપાળની યુવા મહિલા ટીમ આઈસીસી અંડર-19 મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચમાં 8 રનમાં જ આઉટ થઇ ગઈ હતી. પ્રથમ વખત યોજાઈ રહેલા અંડર-19 વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં નેપાળ, યુએઈ, થાઈલેન્ડ, ભૂતાન અને કતારની ટીમો ભાગ લઈ રહી છે.

પાંચ દેશોની આ ઈવેન્ટમાં વિજેતા બનનારી ટીમ 2023ની શરુઆતમાં સાઉથ આફ્રિકામાં યોજાનારા સૌપ્રથમ અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. નેપાળની ટીમે અગાઉની મેચમાં કતારની ઈનિંગને 38 રનમાં સમેટી લીધા બાદ 79 રનથી મેચ જીતી લીધી હતી. જોકે, શનિવારે ટીમને ઝટકો લાગ્યો હતો. આ મેચ એક કલાક પણ ચાલી નહતી અને રમતની માત્ર 9.2 ઓવરમાં જ પરીણામ આવી ગયું હતુ.

બંનેમાંથી કોઈ પણ ટીમ દસ આંકડામાં રન બનાવી શકી ન હતી. યુએઈના તીર્થ સતીશે સૌથી વધુ અણનમ ચાર રન ફટકાર્યા હતા. નેપાળની છ બેટર ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતા જ્યારે સ્નેહા માહરાએ ૧૦ બોલમાં સૌથી વધુ ત્રણ રનનું યોગદાન આપ્યું હતું. મનિષા રાણાએ બે જ્યારે ત્રણ બેટરોએ એક-એક રન કર્યા હતા.

યુએઈ તરફથી બોલિંગની શરુઆત કરનારી માહિકા ગૌરે ચાર ઓવરમાં બે મેડન સાથે બે રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. નવા બોલ સાથે તેની જોડીદાર ઈન્દુજા નંદકુમારે ચાર ઓવરમાં છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નેપાળની ઈનિંગ 8.1 ઓવરમાં પૂરી થઇ ગઈ હતી, ત્યાર બાદ આ જ યુએઈએ સાત બોલમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો.

આઇસીસી એસોસિએટ સભ્ય દેશો વચ્ચે જુનિયર લેવલે મહિલા રમતને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળના ખેલાડીઓ પાસે વધુ સારી પીચની સુવિધા નથી, છતાં ટીમ આ નિરાશાજનક દેખાવ અગાઉ એક મેચ જીતવામાં સફળ રહી હતી. જેનો શ્રેય પણ મળવો જોઈએ. યુએઈની ટીમ દક્ષિણ એશિયન પ્રવાસી સમુદાયની છોકરીઓથી ભરેલી છે અને તેઓ જીતના દાવેદાર છે.

(12:23 am IST)