Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર સુર્યકુમાર યાદવની ટ્વીટ પર રમૂજ સર્જાઈ

ધમાકેદાર પરફોર્મન્સે લોકોના દીલ જીતી લીધા : ટી૨૦ની પહેલી મેચ ન્યૂઝીલેન્ડના વેલિંગટનમાં રમાવાની છે, ત્યારે સૂર્યકુમારે ટ્વીટ કરીને લખ્યું હતું હેલ્લો વેલિંગટન

નવી દિલ્હી, તા.૧૪ : ટી૨૦ વર્લ્ડ કપમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપી સૂર્યકુમાર યાદવ દરેકને ઈમ્પ્રેસ કરી દીધા હતા. છ મેચમાં ૧૮૯.૬૮ના સ્ટ્રાઈક રેટ પર રાઈટ હેન્ડેડ બેટ્સમેને ૨૩૯ રન બનાવ્યા હતા. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ૧૦ વિકેટની હાર બાદ ટીમ ઈન્ડિયાનો નિરાશાનજક અંત આવ્યો બોવા છતાં, ટી૨૦ વર્લ્ડ કપમાં સૂર્યકુમાર રોહિત શર્માની કપ્તાની હેઠળની ટીમ માટે એક મુખ્ય સકારાત્મક તરીકે ઉભરી આવ્યો હતો. આઈસીસીની મેગા ઈવેન્ટમાંથી બહાર થયેલી ટીમ હવે ૧૮ નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ત્રણ મેચોની ટી૨૦ અને ઓડીઆઈ સીરીઝ માટે કમર કસી રહી છે. ટી૨૦ની પહેલી મેચ ન્યૂઝીલેન્ડના વેલિંગટનમાં રમાવાની છે. ત્યારે આ અંગે માટે પોતાનો ઉત્સાદ દર્શાવતા સૂર્યકુમાર યાદવે ટ્વીટ કરીને લખ્યું હતું 'હેલ્લો વેલિંગટન'. જો કે, આ વાતે ત્યારે રમૂજી વળાંક લીધો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાની સ્પિનર અમાંડા વેલિંગટને જવાબમાં લખ્યું હતું 'હેલ્લો યાદવ'. અમાંડાએ જે રીતે સૂર્યકુમારને રિપ્લાય આપ્યો તે જોઈને લોકોને મજા આવી રહી છે. એક યૂઝરે મહિલા ક્રિકેટરને પૂછ્યું 'ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ તેને કેમ તારી આવી? તે જ્યારે ન્યૂઝીલેન્ડમાં હતો ત્યારે આ ટ્વીટ કેમ ન કરી', તો એક યૂઝરે લખ્યું 'લાગે છે કે આ તારા પ્રેમમાં પડી ગઈ છે ભાઈ'. આ સિવાય એકે અમાંડાને 'ક્યૂટ' કહી છે. તો સૂર્યકુમાર યાદવની એક ફેને લખ્યું 'તે પરણેલો છે'.

ન્યૂઝીલેન્ડના ટુર દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ મેચની સીરિઝ રમશે. આ સીરિઝ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના કેટલાક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તેવામાં વનડે ટીમની કમાન શિખર ધવન સંભાળી રહ્યો છે જ્યારે ટી૨૦માં હાર્દિક પંડ્યા ટીમની કપ્તાની કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ ટુર્નામેન્ટની શરૃઆત ટી૨૦ સીરિઝથી થશે. સીરિઝની પહેલી મેચ ૧૮ નવેમ્બરે રમાશે, જ્યારે બીજી મેચ ૨૦ નવેમ્બર તો ત્રીજી મેચ ૨૨એ રમાશે. ત્યારબાદ વનડે સીરિઝની શરુઆત ૨૫ નવેમ્બરથી થશે. બીજી મેચ ૨૭ નવેમ્બર અને ત્રીજી મેચ ૩૦ નવેમ્બરે રમાશે.

ન્યૂઝીલેન્ડ સામે ટી૨૦ સીરિઝ માટે ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસમ, વાશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મહોમ્મદ સિરાઝ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક

ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝ માટે ટીમ

શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વાશિંગ્ટન સુંદર, શાર્દુર ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

 

 

 

 

(7:54 pm IST)