Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ઇશાન કિશનની મોટી કમાલ : ICC રેન્કિંગમાં 68 ક્રમની છલાંગ : સીધો ટોપ-10માં સામેલ

ટોપ 10માં ઇશાન કિશન એકમાત્ર ભારતીય બેટ્સમેન: બોલરોમાં ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ પણ આગળ વધવામાં સફળ રહ્યા

મુંબઈ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી T20 રેન્કિંગમાં ભારતના ઓપનર ઈશાન કિશન બેટ્સમેનોની યાદીમાં 68 સ્થાનની છલાંગ લગાવી છે. હવે તે સાતમા સ્થાને પહોંચી ગયો છે. બોલરોમાં ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ પણ આગળ વધવામાં સફળ રહ્યા.

ઇશાન કિશને સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ઘરેલુ T20 શ્રેણીમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં ત્રણ મેચમાં 164 રન બનાવ્યા છે. જેના કારણે તે T20I માં બેટ્સમેનોની યાદીમાં ટોચના 10માં સ્થાન મેળવી શક્યો છે. ટોપ 10માં ઇશાન કિશન એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તેના પછી કેએલ રાહુલ 14મા સ્થાને છે. સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝની શરૂઆત પહેલા ઈશાન કિશન ટી20 રેન્કિંગમાં 75માં નંબર પર હતો. પરંતુ માત્ર ત્રણ મેચમાં તેણે તોફાની બેટિંગ કરી અને સાતમા નંબરે પહોંચી ગયો.

 

સુકાની રોહિત શર્મા અને શ્રેયસ અય્યર એક-એક સ્થાન સરકીને અનુક્રમે 16મા અને 17મા સ્થાને આવી ગયા છે. જ્યારે વિરાટ કોહલી  બે સ્થાન નીચે 21મા સ્થાને આવી ગયો છે. બોલરોમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર સાત સ્થાન આગળ વધીને 11મા સ્થાને છે. જ્યારે લેગ સ્પિનર ચહલ ચાર સ્થાન આગળ વધીને 26મા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે T20 બોલિંગ રેન્કિંગમાં પોતાનું નંબર વન સ્થાન પાછું મેળવ્યું છે. જ્યારે શ્રીલંકાના મહેશ તિક્ષા 16 સ્થાન આગળ વધીને આઠમા સ્થાને પહોંચી ગયા છે.

ટેસ્ટ રેન્કિંગમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પોતાના જ દેશના રવિચંદ્રન અશ્વિન પછી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન બીજા સ્થાને યથાવત છે. ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા અને અશ્વિન ટોચના બે સ્થાનો પર કબજો જાળવી રાખ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં અનુક્રમે સાતમાં અને દસમાં ક્રમે છે. જ્યારે ઇંગ્લેન્ડનો જો રૂટ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શ્રેણીમાં સતત બે સદી ફટકારીને ટોચ પર પહોંચી ગયો છે. જો રૂટ પાસે હવે ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન કરતા પાંચ રેટિંગ પોઈન્ટ વધુ છે.

(12:37 am IST)