Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ઓલિમ્પિક વિલેજમાં બે એથલિટ્સ કોરોના પોઝીટીવ

વધુ ૧ર નવા કોરોના કેસ ઓલિમ્પિકમાં નોંધાયા : જાપાન સહિત ઓલિમ્પિક વિલેજમાં કોરોનાના કેસની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો, કુલ કેસની સંખ્યા ૮૭ થઇ

ટોકિયો, તા.૨૨: ટોકિયો ઓલિમ્પિક ઓર્ગેનાઈઝન દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું છે કે બે ખેલાડીઓ ઓલિમ્પિક વિલેજમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓલિમ્પિકમાં કોરોનાના પ્રસરે તે માટે પાછલા વર્ષે ઈવેન્ટ રદ્દ કરવામાં આવી હતી જોકે, આ વર્ષે રસીકરણના લીધે સ્થિતિ કાબૂમાં આવતા ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે ટોકિયો ઓલિમ્પિકમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૮૭ પર પહોંચી ગઈ છે. જેમાં વધુ ૧૨ નવા કેસ ઉમેરાયા છે, જેમાં બે એથલિટનો પણ સમાવેશ થાય છે.

જાપાનમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં પાછલા ૬ મહિનાના સૌથી વધુ ૧,૮૩૨ કેસ નવા કેસ નોંધાયા છે. હવે રમત શરુ થવાના માત્ર બે દિવસ બાકી છે ત્યારે કોરોનાના કેસ વધવાના કારણે ખેલાડીઓ સહિત આયોજકોની પણ ચિંતા વધી છે. ઓલિમ્પિક વિલેજમાં કોરોના પ્રસરે નહીં તે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે આમ છતાં જાપાનમાં વધતા કેસની અસર ઓલિમ્પિકમાં પણ જોવા મળી રહી છે. જાપાનમાં ચાર રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે જેમાં ટોકિયોનો પણ સમાવેશ થાય છે. જે ૨૨ ઓગસ્ટ સુધી રહેશે. નોંધનીય છે કે શુક્રવારે ઓલિમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે અને તે ૮ ઓગસ્ટ સુધી ચાલશે.

(2:50 pm IST)