Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમદાવાદ સહિત ૮ શહેરોમાં ટી-૨૦ વર્લ્ડકપની મેચો રમાશે

બીસીસીઆઈએ મેદાન શોર્ટલીસ્ટ જાહેર કર્યા, જો કે આજની બોર્ડની એમજીઓમાં ચર્ચા-વિચારણા બાદ મંજૂરીની મહોર લાગશે

અમદાવાદઃ આગામી વર્ષે ભારતમાં ટી૨૦ વર્લ્ડ કપ યોજાશે ત્યારે બીસીસીઆઈએ મેદાન શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ સહિત આઠ શહેરોમાં ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની મેચો રમાશે તેવા અહેવાલો છે. નોંધનીય છે કે, આગામી વર્ષે ભારત ટી૨૦ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે અને બીસીસીઆઈ તેના માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ૨૦૨૦ અને ૨૦૨૧માં ટી૨૦ ફોર્મેટમાં બે મોટી ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ૨૦૨૦માં વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમવાનો હતો પરંતુ કોરોનાના કારણે આ વર્લ્ડ કપને ૨૦૨૨ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે જયારે ૨૦૨૧માં યોજાનાર ટૂર્નામેન્ટ અગાઉના આયોજન અનુસાર ભારતમાં જ રમાશે.

બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટેની તૈયારીના ભાગરૂપે મેદાનોને પણ શોર્ટલિસ્ટ કર્યા છે જેમાં અમદાવાદ, બેંગલોર, ચેન્નઇ, દિલ્હી, મોહાલી, ધર્મશાળી, કોલકાતા અને મુંબઈને પસંદ કરવામાં આવ્યા છે. જો કે બોર્ડના કેટલાક સભ્યો આ પસંદગીથી નાખુશ હોવાના અહેવાલો છે કારણ કે, તેઓ ઇચ્છે છે કે મેચ રમાડવા માટે કેટલાક અન્ય સ્થળ માટે પણ વિચારણા કરવામાં આવે. આજની બોર્ડની એજીએમમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.

એક સભ્યએ કહયું હતું કે વર્લ્ડ કપની મેચોનું આયોજન દરેક શહેર માટે ગૌરવની વાત છે. અમારી પાસે પણ ઉચ્ચ સ્તરનું સ્ટેડિયમ અને સુવિધાઓ છે અને અમે ઇચ્છીએ છીએ કે બીસીસીઆઈ આ બાબત પર વિચારણા કરે. તેઓ કહે છે કે ભારતની મેચોને મોટા સેન્ટરો યોજે તે સામે તેમને વાંધો નથી પરંતુ તેમને કેટલીક મેચો તો ફાળવવી જોઈએ.

(2:30 pm IST)