Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમદાવાદમાં સૌરવ ગાંગુલી ટીમો વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમાઇઃ જય શાહની ટીમનો ર૮ રને વિજય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સભા અમદાવાદ ખાતે આજે એટલે કે, ગુરૂવારે યોજાવા જઈ રહી છે. તે પહેલા BCCIના હોદેદારો અમદાવાદ પહોંચી ગયા છે. જોકે, સભા પહેલા એટલે કે, ગઈકાલે બુધવારે પૂર્વ ઈન્ડિયન કેપ્ટન સૌરવ ગાંગુલી અને જય શાહની ટીમ વચ્ચે એક રોમાંચક ફ્રેન્ડી મેચ રમાઇ હતી. અહીં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે બુધવારે બપોરે 3 કલાકે મેચ રમવામાં આવી હતી. મેચ પહેલા તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાયાં હતાં.

જય શાહ અને સૌરવ ગાંગુલીની ટીમ વચ્ચે 12-12 ઓવરની મેચ રમાઇ હતી. જેમાં સેક્રેટરી ઇલેવન જય શાહની ટીમે 28 રને રોમાંચક જીત મેળવી હતી.

પ્રથમ બેટિંગ કરતાં જય શાહની ટીમે 12 ઓવરમાં 128 રન ફટકાર્યા હતા. જેમાં જય શાહે શાનદાર બેટિંગ કરતાં સૌથી વધારે 38 રનની આકર્ષક ઈનિંગ રમીને બધાને ચોંકાવી દીધા હતા. તો બીજી 128 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દાદાની ટીમ માત્ર 100 રન જ બનાવી શકી હતી. સૌરવ ગાંગુલીએ શાનદાર બેટિંગ કરતાં 53 રનની ઈનિંગ રમી હતી.

ઉલ્લેખનિય છે કે, એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા ધરાવનાર આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. અહીં ચાર મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાશે. તે સિવાય ઇંગ્લેન્ડ સિરીઝની ચોથી મેચ પણ અહીં જ રમાશે. જેમાં ભારતીય ટીમ બે ડે-નાઇટ ટેસ્ટ મેચ સિવાય પાંચ T-20 ઇન્ટરનેશનલ મેચ પણ અમદાવાદ ખાતે જ રમશે. મહત્વનું છે કે આ એજ સ્ટેડિયમ છે જ્યાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.

આજે ગુરુવારે અમદાવાદની તાજ હોટલ ખાતે BCCIની વાર્ષિક બેઠક યોજાશે. જેમાં બે નવી આઇપીએલ ફ્રેન્ચાઇઝી અને BCCIના નવા વાઇસ પ્રેસિડેન્ટ અંગેની ચર્ચા થઇ શકે છે. તદ્દ ઉપરાંત આ બેઠકમાં આઇપીએલની 10 ટીમની ભાગીદારીને પણ મંજૂરી મળી શકે છે. જેમાં ગૌતમ અદાણી અને સંજીવ ગોએન્કા ટીમોને ખરીદવામાં રસ ધરાવી રહ્યાં છે.

(5:51 pm IST)