Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાયનલ ટાઈ થાય તો બન્ને ટીમ વિજેતા

ભારત-કિવિ વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાયનલ ૧૮મીથી : ફાયનલ મેચ ડ્રો થાય કે ટાઈ થશે તો ભારત-ન્યૂઝિલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવાની આઈસીસીની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. ૨૮ : ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ૧૮થી ૨૨ જૂન સુધી સાઉથેમ્પ્ટનમાં રમાશે. આ મેચને લઇને ચર્ચા ચાલી રહી છે કે, વિજેતા ટીમ નક્કી કરવા માટે ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટની સીરિઝ હોવી જોઇએ. કેમ કે, જો આ મેચ ડ્રો થાય તો કઇ ટીમ વિજેતા થશે?  હવે આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે, જો મેચ ડ્રો થશે તો શું થશે.

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ૧૮થી ૨૨ જૂન સુધી સાઉથેમ્પ્ટનમાં રમાશે, જો આ મેચ ડ્રો અથવા ટાઇ થશે તો ભારત અને ન્યૂઝિલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જ્યારે ૨૩ જૂનને ફાઇનલ મેચના રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.

આઇસીસીએ જણાવ્યું કે, બંન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચના નિયમિત દિવસોમાં જે સમયનું નુકસાન થશે, તેની  ભરપાઇ માટે રિઝર્વ ડે હશે. રિઝર્વ ડે પર મેચ ત્યારે જ રમાશે, જ્યારે પાંચ નિયમિત દિવસમાં પણ વ્યય ગયેલા સમયની ભરપાઇ નહીં થઇ શકે. આમાં મેચ શરૂ થવાના અને પૂરું થવાનો સમય પણ છે. જો કે, પાંચ દિવસમાં પરિણામ જાહેર થવા પર રિઝર્વ ડેનો ઉપયોગ નહીં થાય. મેચ રેફરી બન્ને ટીમોના વ્યય ગયેલા સમયની નિયમિત અપડેટ આપશે. આ જૂન, ૨૦૧૮માં નક્કી કરવામાં આવ્યું હતું કે, જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ડ્રો થશે તો બન્ને જ ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આઇસીસીએ શુક્રવારે જાહેરાત કરી કે, રમાનારી ફાઇનલની પ્લેઇંગ કન્ડીશન આવતાં મહિને નક્કી કરવામાં આવશે.

(8:03 pm IST)