Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્‍યો, ૫ કરોડના ઈનામની જાહેરાત

પ્રથમ મહિલા અન્‍ડર- ૧૯ ટી-૨૦ વર્લ્‍ડકપમાં ટીમ ઈન્‍ડિયા ચેમ્‍પિયન : મહિલા સિનિયર ટીમનું સપનું જુનિયર ટીમે પુરૂ કર્યુ, કેપ્‍ટન શેફાલી વર્માએ કહ્યું હવે આવતા મહિને દક્ષિણ આફ્રિકામાં રમાનાર વૂમન્‍સ ટી-૨૦ વર્લ્‍ડકપ જીતીને બીજી ટ્રોફી ઉપાડવી છે

યુવા કેપ્‍ટન શેફાલી વર્મા ભાવુક બની, મેદાન ઉપર આંસુ રોકી ન શકી

નવી દિલ્‍હીઃ દક્ષિણ આફ્રિકામાં રમાયેલા પ્રથમ મહિલા અંડર-૧૯ ટીમ-૨૦ વર્લ્‍ડકપ ૨૦૨૩માં ટીમ ઈન્‍ડિયાની જીતને લઈને દેશમાં ઉજવણીનો માહોલ છે.  ટી-૨૦ વર્લ્‍ડ કપ જીતનારી મહિલા ક્રિકેટ ટીમ પર બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટીમ અને સપોર્ટ સ્‍ટાફ માટે ૫ કરોડના ઈનામની જાહેરાત કરી છે.

તો ગળહમંત્રી અમિતભાઈ શાહે ટીમને અભિનંદન પાઠવ્‍યા છે.

૧લી ફેબ્રુઆરીએ ત્રીજી ટી-૨૦ જોવા માટે સમગ્ર ટીમને નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ, અમદાવાદ ખાતે આમંત્રણ આપ્‍યું હતું. ફાઇનલમાં અર્ચના દેવી, પાર્શ્વી ચોપરા અને તિતાસ સાધુએ શાનદાર બોલિંગ કરતા ૨-૨ વિકેટ લીધી હતી.  મન્‍નત કશ્‍યપ અને શેફાલી વર્માને એક-એક વિકેટ મળી હતી.

ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે આઈસીસી અંડર ૧૯ મહિલા ટી-૨૦ વિશ્વકપની ફાઈનલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્‍ડીંગ કરતા ઈંગ્‍લેન્‍ડની ટીમને ૬૮ રનમાં જ સમેટી લીધુ હતુ. મજબૂત ટીમને ઝડપથી ઓલઆઉટ કરીને સરળતાથી લક્ષ્ય પાર કરી લઈ જીત મેળવી હતી. આઈસીસીએ પ્રથમ વાર જ મહિલા વર્ગમાં અંડર -૧૯  ટી૨૦ વિશ્વકપનુ આયોજન કર્યુ હતુ અને જેને ભારતે આ સાથે જ પોતાના નામે કરી લીધો હતો. યુવા ટીમે કમાલ કર્યો હતો. આ કમાલ બાદ ભારતીય ટીમની સુકાની શેફાલી વર્મા પોતાની આંખોના આંસુઓને રોકી શકી નહોતી.જ્‍યારે જીત બાદ તે પ્રેન્‍ઝન્‍ટેશન સેરેમની માટે કેપ્‍ટનના રુપમાં શેફાલી વર્મા પહોંચી અને ટીમ ઈન્‍ડિયાના વખાણ કરવા લાગી તો, પોતાના આંસુઓને રોકી શકી નહોતી. શેફાલી ભાવુક બની ગઈ હતી અને સાથે જ તેણે દરેક ભારતીય ક્રિકેટ ચાહકને એ પળે ભાવુક કરવા મજબૂર કરી દીધા હતા.

અગાઉ ઓસ્‍ટ્રેલિયા સામે હાર સાથે જ ભારતીય મહિલા સિનિયર ટીમનુ સપનુ પુરુ થઈ શકયુ નહોતુ. હવે શેફાલી વર્મા આગામી મહિને દક્ષિણ આફ્રિકામાં ભારતીય સિનિયર ટીમ વતી રમી અધૂરા સપનાને પુરા કરવા રમતી નજર આવશે. ૨૦૨૦માં શેફાલીની ઉંમર ૧૬ વર્ષની હતી અને તેને હરલીન દેઓલે શાંત કરી હતી, હવે તેની પાસે આત્‍મવિશ્વાસ અને અનુભવ બંને ખૂબ છે. જેનો ફાયદો ભારતીય ટીમને મળશે.જીત બાદ શેફાલીએ પોતાના ઇરાદા પણ સ્‍પષ્ટ કરી દીધા હતા. શેફાલીએ કહ્યું કે તે આ જીતથી ખૂબ જ ખુશ અને ઉત્‍સાહિત છે પરંતુ તેની નજર હવે તેનાથી પણ મોટા ટાઈટલ જીતવા પર છે. શેફાલીએ કહ્યું કે તે હવે આવતા મહિને દક્ષિણ આફ્રિકામાં બીજી ટ્રોફી ઉપાડવા માંગશે. ૧૦ ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં મહિલા ટી-૨૦ વર્લ્‍ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે.

(12:29 pm IST)