<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

વાલ્‍મિકી સમાજના શિક્ષણવિદ્દ ગોવિંદભાઇ વાઘેલાનો કાલે જન્‍મ દિવસ : ૯૦ માં પ્રવેશ

 

રાજકોટ તા. ૧૮ : વાલ્‍મિકી સમાજના શિક્ષણવિદ્દ અને રાજકોટની ગાંધી જ્ઞાન મંદિર શાળાના સંસ્‍થાપક મેનેજીંગ ટ્રસ્‍ટી ગોવિંદભાઇ વાઘેલાનો કાલે તા. ૧૯ ના ૯૦ મો જન્‍મ દિવસ છે. સફાઇ કર્મી સમાજમાં શિક્ષણ સ્‍થાપનનું પાયાનું કાર્ય કરનાર ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા સૌરાષ્‍ટ્ર વાલ્‍મીકી સફાઇ કર્મી સમાજમાંથી ૧૯૫૭ માં એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર પ્રથમ વિદ્યાર્થી હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ બગસરામાં થયુ હતુ. બગસરા વસવાટ દરમિયાન પૂ. રવિશંકર મહારાજ, પૂ. સંતલાલજી, પૂ. ઢેબરભાઇ, પૂ. રતુભાઇ અદાણીનો સહવાસ સાંપડયો હતો. ૧૯૫૭ માં એસ.એસ.સી. પાસ કરી આકાશવાણી રાજકોટ કેન્‍દ્રમાં કલાર્ક તરીકે કારકીર્દીની શરૂઆત કરેલ. ૧૯૬૦ થી જાહેર જીવન દરમિયાન બગસરામાં બાલવાડીની સ્‍થાપનાની શિક્ષણ કાર્યની શરૂઆત તથા શિક્ષણ પ્રચાર કાર્ય આદરેલ. સફાઇકર્મી સમાજમાં પડેલ ભજન-લોકસાહિત્‍યને બહાર લાવવા તહેવારોમાં ભજન હરીફાઇનું પણ તેઓ આયોજન કરતા. સૌરાષ્‍ટ્રના ઘડવૈયા ઢેબરભાઇને પણ તેઓ અવાર નવાર મળતા અને સફાઇ કર્મી સમાજને શિક્ષિત બનાવવા ચર્ચા કરતા. ૧૯૭૭ માં તત્‍કાલીન વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ સફાઇ કર્મી સમાજના વાલ્‍મીકી વાડી વિસ્‍તારમાં ગાંધી પ્રાર્થના મંદિરનું ઉદ્દઘાટન કરવા આવેલ ત્‍યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોવિંદભાઇ વાઘેલાએ સંભાળ્‍યુ હતુ. ૧૯૮૮ માં તેઓએ રાજકોટમાં ૩૦ જેટલા બહેનોના પ્રૌઢ શિક્ષણ વર્ગો ચલાવ્‍યા હતા. ૧૯૮૯ માં વાંકાનેર ખાતે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અમરશીભાઇ ચૌધરીના સાનિધ્‍યમાં સફાઇ કર્મી સમાજની કારોબારી બેઠકનું સંચાલન તેમણે સંભાળ્‍યુ હતુ. ૧૯૮૫ માં રાજકોટમાં ગાંધી જ્ઞાન મંદિર શાળાની સ્‍થાપના કરેલ. ૧૯૮૯ માં અમદાવા મુકામે સાબરમતી આશ્રમ ખાતે ગોવિંદભાઇનું તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અમરશીભાઇ ચૌધરીના હસ્‍તે સન્‍માન કરાયુ હતુ. ૨૦૦૩ માં તેમના નેતૃત્‍વમાં ચિંતન શિબિરનું આયોજન કરાતા ગુજરાતમાંથી સંખ્‍યાબંધ સફાઇ કર્મી આગેવાનોએ ભાગ લીધો હતો. ૨૦૦૫ માં સફાઇ કર્મીઓમાં શિક્ષણનો વ્‍યવપ વધે તે માટે પોરબંદર કિર્તી મંદિરથી જામનગર સુધી ૪૫ ગામ શહેરોને આવરી લેતી શિક્ષણયાત્રા યોજી હતી. એ દરમિયાન તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેમને શુભેચ્‍છા સંદેશો પાઠવ્‍યો હતો. ૨૦૦૭ માં રામકથા માનસ વાલ્‍મીકી માટે પણ ગોવિંદભાઇ વાઘેલાના પ્રયાસો સફળ બન્‍યા હતા. ૨૦૧૦ માં શાળાના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી અને સ્‍થાપક ગોવિંદભાઇ વાઘેલાનું તત્‍કાલીન મેયર જનકભાઇ કોટકના હસ્‍તે બહુમાન કરાયુ હતુ. ૨૦૧૮ માં તત્‍કાલીન ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગોવિંદભાઇ વાઘેલા લિખિત ‘સંભારણા' પુસ્‍તકનું વિમોચન કરેલ. આમ વાલ્‍મીકી સમાજમાં શિક્ષણનો વ્‍યાપ વધારવામાં ગોવિંદભાઇ વાઘેલાનો મોટો ફાળો રહ્યો છે. સફળ જીવનના ૯૦ માં વર્ષમાં પ્રવેશી રહેલ ગોવિંદભાઇ વાઘેલા (મો.૯૪૨૭૫ ૦૫૫૦૧) ને ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(4:37 PM IST)