<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

૯૫ દિવસ સુધી મન્નતની બહાર નાખ્‍યો પડાવઃ આખરે શાહરુખે કરી મુલાકાત

તે કિંગ ખાનનો મોટો ફેન છે અને તેને મળ્‍યા પછી જ પાછો જશે : કિંગ ખાને તેની ઈચ્‍છા સાંભળી અને તેની ઈચ્‍છા પૂરી કરી

મુંબઈ, તા.૬: અભિનેતા શાહરૂખ ખાનના ઘરની બહાર હંમેશા ભીડ જોવા મળે છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા તેના ઘરની બહાર આવે છે. ઘણા દિવાના ચાહકો ઘણા દિવસોથી તેના ઘરની બહાર અભિનેતાની રાહ જોતા હોય છે. ફરી એવું જ બન્‍યું છે. એક ચાહક છેલ્લા ૯૫ દિવસથી મુંબઈમાં મન્નતના ઘરની બહાર રાહ જોતો રહ્યો. આ વ્‍યક્‍તિ ઝારખંડનો રહેવાસી છે. તેનું નામ શેખ મોહમ્‍મદ અન્‍સારી છે. આખરે શાહરુખ ખાનને મળવાનું તેનું સપનું સાકાર થયું.

શાહરૂખે ૨ નવેમ્‍બરે પોતાનો ૫૯મો જન્‍મદિવસ ઉજવ્‍યો હતો. આ પ્રસંગે મન્નતની બહાર હજારો ચાહકો એકઠા થયા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર કિંગ ખાન ચાહકોની સામે ન આવ્‍યો, પરંતુ તેની ટેરેસ પરથી તેમણે અભિવાદન કર્યુ હતું. જો કે, તે એક કાર્યક્રમમાં તેના હાર્ડકોર ચાહકોને મળ્‍યો હતો. આ સિવાય શાહરૂખ ઝારખંડથી આવેલો ચાહક શેખ મોહમ્‍મદ અન્‍સારીને પણ મળ્‍યો.

શેખ મોહમ્‍મદ અંસારી નામનો વ્‍યક્‍તિ કિંગ ખાનને મળવાની આશામાં ૯૫ દિવસ સુધી મન્નતની બહાર ઊભો રહ્યો. જ્‍યારે ઇન્‍સ્‍ટન્‍ટ બોલિવૂડ એ વ્‍યક્‍તિ સાથે વાત કરી તો ખબર પડી કે તેણે ઝારખંડમાં પોતાનો બિઝનેસ પણ બંધ કરી દીધો હતો અને શાહરૂખના ઘરની બહાર પડાવ નાખ્‍યો હતો. શેખ મોહમ્‍મદે કહ્યું કે તે કિંગ ખાનનો મોટો ફેન છે અને તેને મળ્‍યા પછી જ પાછો જશે. કિંગ ખાને તેની ઈચ્‍છા સાંભળી અને તેની ઈચ્‍છા પૂરી કરી. બંનેની સાથેની તસવીર પણ હવે સામે આવી છે.

શાહરૂખની ફિલ્‍મ ‘ઓમ શાંતિ ઓમ'માં એક ડાયલોગ છે, ‘અગર કિસી ચીજ કો પુરે દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ કરતી હૈ'. શેખ મોહમ્‍મદ સાથે પણ કંઈક આવું જ થયું. ઘણા દિવસો સુધી તેને ત્‍યાં જોયા પછી મીડિયાનું ધ્‍યાન તેના પર ગયું. ત્‍યારબાદ તેની સ્‍ટોરી સોશિયલ મીડિયા અને ટીવી પર ચાલવા લાગી. પછી શું, જ્‍યારે આ સમાચાર શાહરૂખ સુધી પહોંચ્‍યા તો તેણે તેના જન્‍મદિવસ પર ફોન કરીને તેની સાથે વાત કરી અને તેની તસવીર પણ ક્‍લિક કરાવી.

શાહરૂખ ખાન યુનિવર્સ ફેન ક્‍લબે X (અગાઉ ટ્‍વિટર) પર શેખ મોહમ્‍મદ અને કિંગ ખાનની તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્‍યું, ‘કિંગ ખાન તે ફેનને મળ્‍યો જે ઝારખંડથી આવ્‍યો છે અને તેને મળવા માટે મન્નતની બહાર ૯૫ દિવસથી વધુ રાહ જોતો હતો. ખરેખર, જો તમે તમારા હૃદયથી કંઈક ઇચ્‍છતા હોવ તો.. શાહરૂખે તેનું સ્‍વપ્‍ન પૂરું કરી દીધું.

(10:27 AM IST)