News of Thursday, 5th December 2024
પુષ્પા-૨નો જબરો ક્રેઝઃ રાજકોટમાં ૧૧૫ શો
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ પુષ્પા ત્રણ વર્ષ પહેલા આવી હતીઃ બીજા ભાગે રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની કમાણી

રાજકોટ તા. ૫: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ફિલ્મ પુષ્પા ત્રણ વર્ષ પહેલા આવી હતી. એ ફિલ્મે ચાહકોને ખુબ ઘેલુ લગાડયું હતું અને બીજા ભાગની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. અંતે આજે ‘પુષ્પા-૨' રિલીઝ થઇ ચુકી છે. ‘પુષ્પા...નામ સુન કે ફલાવર સમજે ક્યા? મૈં ઝુકેગા નહિ'...આ સહિતના ડાયલોગ તેમજ પુષ્પાના ગીતોએ ચાહકોને ઘેલા કરી દીધા હતાં. આજથી વિશ્વભરના સિનેમાઘરોમાં પુષ્પા-૨ રિલીઝ થઇ ચુકી છે. રાજકોટ શહેરની જ વાત કરીઓે તો અહિ એક જ દિવસમાં સળંગ ૧૧૫ શો પુષ્પા-૨ના દેખાડવામાં આવી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ વહેલી સવારના શોમાં જ ચાહકો પુષ્પા-૨ નિહાળવા સિનેમાઘરોમાં પહોંચી ગયા હતાં અને ચીચીયારીઓથી સિનેમાહોલ ગજાવી દીધા હતાં. રાજકોટ શહેરમાં સવારે ૬થી રાત્રે ૧૧-૪૫ વાગ્યા સુધીના શો માત્ર પુષ્પા-૨ માટે રાખવામાં આવ્યા છે. તો અમુક સિનેમાઘરમાં તો માત્ર અને માત્ર પુષ્પા-૨ને જ સ્થાન અપાયું છે. આ ફિલ્મની ટિકીટના દર બસ્સો ત્રીસથી લઇને છસ્સો પચાસ સુધી રખાયા છે. ઓનલાઇન એપ્લીકેશનમાં આ ભાવ જોવા મળ્યા છે. તો મોટા ભાગના આજના શો હાઉસફુલ પણ બતાવી રહ્યા હતાં.
સાઉથની જબરદસ્ત બ્લોકબસ્ટર એવી બાહુબલી, કેજીએફ અને હવે પુષ્પા પણ તેના બીજા ભાગ સાથે આવી ચુકી છે. પુષ્પા-૨એ રિલીઝ પહેલા જ અલગ અલગ રીતે કરોડોની કમાણી કરી લીધી છે. પુષ્પા-૨ ફિલ્મ પેન ઇન્ડિયાની કમાણીના તમામ રેકોર્ડ તોડી દેશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. એડવાન્સ બૂકિંગમાં જ વિશ્વભરમાંથી એકસો ત્રીસ કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મ હન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થઇ છે. રાજકોટમાં કોસ્મોપ્લેક્સમાં કાલાવડ રોડ બાવીસ શો, આઇનોક્સ આર વર્લ્ડમાં અગિયાર, કોન્વોપ્લેક્સમાં દસ, કાર્નિવલમાં આઠ, ક્રિસ્ટલ મોલમાં બાર, કોસ્મોપ્લેક્સ કુવાડવા રોડ બોમ્બે મોલમાં અઢાર, સિનેપોલ્સ વંદના ગોડલ રોડમાં ચોૈદ, આઇનોક્સ રિલાયન્સ મોલમાં દસ શો, રાજેશ્રીમાં ત્રણ શોમાં પુષ્પા-૨ દેખાડવામાં આવી રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
