News of Wednesday, 30th April 2025
હાઉસફુલ ૫નું ટીઝર : કોમેડીની સાથે આ વખતે ક્રૂઝ પર ૧૮ કલાકારો ખેલશે ખૂની ખેલ : ‘કિલર’ ટીઝર આઉટ: જુઓ વિડિયો
અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન ફરી એકવાર હાસ્યસભર ક્રૂઝ કોમેડીમાં સાથે : ટીઝરમાં ૧૮ કલાકારોનો પરિચય : ફિલ્મમાં રહસ્યનો પણ ડોઝ

નવી દિલ્હી: અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘હાઉસફુલ ૫’નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. તરૂણ મનસુખાનીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પહેલા ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થવાની હતી, પરંતુ નિર્માતા સાજિદ નાડિયાડવાલાએ પ્લાન બદલીને ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી હતી.
હવે ‘હાઉસફુલ-૫’ જૂનમાં રિલીઝ થશે, પરંતુ તે પહેલા જ મેકર્સ દ્વારા ફિલ્મનું જોરદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે ફિલ્મમાં એક સાથે ૧૮ કલાકારો તમને હસાવવા માટે આવી રહ્યા છે, જેમને ટીઝરમાં એક પછી એક પરિચય કરાવવામાં આવ્યો છે. ‘હાઉસફુલ ૫’માં આ વખતે ખાસ વાત એ છે કે અક્ષય કુમારની ફિલ્મમાં જેટલી કોમેડી હશે, તેટલું જ ફિલ્મમાં રહસ્ય પણ હશે. તો ચાલો જોઈએ ટીઝરમાં શું છે ખાસ:
એક લાલ પરીના ચક્કરમાં ૧૮ સિતારાઓ જશે જેલ
‘હાઉસફુલ ૫’નું ૧ મિનિટ ૧૬ સેકન્ડનું આ ટીઝર ખૂબ જ ધમાકેદાર અને હસાવનારું છે, પરંતુ એક કિલર બધાની નાકમાં દમ કરવાવાળો છે. ‘કિલર કોમેડી’ ટીઝરની શરૂઆત ક્રૂઝ પર પાર્ટી કરતા ૧૮ કલાકારો સાથે થાય છે, જેમાં એક પછી એક બધાનો પરિચય કરાવવામાં આવે છે. સમગ્ર ટીઝરમાં ‘લાલ પરી મંગવા દો મુજકો લાલ પરી’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે અને બધા એન્જોય કરી રહ્યા છે.
અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન તો પહેલા પણ ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝીનો ભાગ રહી ચૂક્યા છે, પરંતુ નાના પાટેકર, સંજય દત્ત અને જેકી શ્રોફના પાત્રને પણ નાના ટીઝરમાં ખૂબ જ સ્ટાઇલમાં બતાવવામાં આવ્યા છે. જો કે, આ સમગ્ર ટીઝરમાં જે વાત સૌથી મજેદાર છે, તે એ છે કે આ ક્રૂઝ પર આ ૧૮ સિતારાઓની વચ્ચે એક કિલર હાજર છે, જે તેમની નાકમાં દમ કરવાવાળો છે. હવે તે કિલર કોણ હશે, તે તો ફિલ્મ સિનેમાઘરોમાં આવ્યા બાદ જ ખબર પડશે.
ઓડિયન્સને કેવું લાગ્યું ‘હાઉસફુલ ૫’નું ટીઝર
એક કલાકમાં આ ટીઝરને ૨ લાખથી વધુ વ્યૂઝ મળી રહ્યા છે અને ફેન્સ આ ફિલ્મને અક્ષય કુમારની આગામી બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "અક્ષય કુમારનું રિએક્શન અને એક્શન જોઈને જ હસવું આવી ગયું". બીજા યુઝરે લખ્યું, "હો ગયા અક્ષય પાજી કા મેગા કમબેક". એક અન્ય યુઝરે લખ્યું, "અરે વાહ હાઉસફુલ ૫નું ટીઝર તો ફૂલ પૈસા વસૂલ લાગી રહ્યું છે. ફરદીનનું કમબેક જોઈને ખુશી થઈ રહી છે. આટલી મોટી સ્ટારકાસ્ટ જોઈને એવું લાગી રહ્યું છે ફિલ્મ નહીં બારાત નીકળી રહી છે".
‘હાઉસફુલ ૫’ જૂનમાં ૬ તારીખે સિનેમાઘરોમાં આવશે. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન ઉપરાંત ફિલ્મમાં શ્રેયસ તલપડે, જેકલીન ફર્નાન્ડિઝ, સોનમ બાજવા, નરગિસ ફખરી, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચિત્રાંગદા સિંહ, ફરદીન ખાન, ચંકી પાંડે, જોની લીવર, ડીનો મોરિયા, રણજીત, સૌંદર્યા શર્મા અને નિકિતન ધીર જેવા સિતારાઓ જોવા મળશે. યો યો હની સિંહ માટે પણ ‘હાઉસફુલ ૫’નું ગીત એક જોરદાર વાપસી હશે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
