<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

નાટકોમાં બેક સ્ટેજ 50 રૂપિયામાં કામ કરતા જેઠાલાલ: ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોમાંના એક દિલીપ જોશીની જાણો કારકિર્દીની સફર

દિલીપ જોશીનો જન્મ 26 મે 1968 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો: સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'માં રામુની ભૂમિકા ભજવી: હમ આપકે હૈ કૌન','ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની','ખિલાડી 420','દિલ હૈ તુમ્હારા' જેવી ઘણી ફિલ્મો કરી

મુંબઈ :ટીવીના સૌથી પ્રિય પાત્રોમાંના એક જેઠાલાલને કોણ નથી જાણતું? 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી આજે એટલે કે 26 મેના રોજ પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પરંતુ આ સ્થાન સુધી પહોંચવાની તેમની સફર સરળ ન હોતી. દિલીપ જોશી કે જે એક સમયે નાટકોમાં બેકસ્ટેજ પર 50 રૂપિયામાં કામ કરતા હતા તેઓ આજે ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોમાંના એક છે.

દિલીપ જોશીનો જન્મ 26 મે 1968 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમણે લાંબા સમય સુધી થિયેટર કર્યું અને ત્યારબાદ તેઓ અભિનયમાં આવ્યા. તેમની અભિનય કારકિર્દી ફિલ્મોથી શરૂ થઈ હતી. તેમણે સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'માં રામુની ભૂમિકા ભજવી હતી, જેમાં તેઓ ઘરના નોકરની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

ત્યારબાદ તેમણે શાહરૂખ ખાન સાથે 'વન 2 કા 4'માં પણ કામ કર્યું હતુ. ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો પણ તેમણે સૌના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત 'હમ આપકે હૈ કૌન','ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની','ખિલાડી 420','દિલ હૈ તુમ્હારા' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.

બહુ ઓછા લોકો જાણે છે કે દિલીપ જોશીને સૌથી પહેલા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'ચંપકલાલ' એટલે કે બાપુજીનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. પરંતુ શોના નિર્માતા અસિત મોદીએ તેમને પાત્ર પસંદ કરવાની સ્વતંત્રતા આપી. દિલીપ જોશીએ પોતે કહ્યું હતું કે તેમને લાગતું હતું કે તેઓ બાપુજીના પાત્રમાં ફિટ નહીં થાય, તેથી તેમણે 'જેઠાલાલ'ની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું અને આજે જેઠાલાલનું નામ સાંભળીને લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે

(11:00 PM IST)