News of Monday, 28th July 2025
અક્ષય કુમારે મુંબઈમાં ૨ મિલકતો વેચીઃ કરોડોનો નફો કર્યો
૨,૯૨૨ દિવસમાં પૈસા બમણા થયા! ૯૨ ટકા નફોઃ મળ્યા ૭.૧૦ કરોડ

મુંબઈ, તા.૨૮: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં પોતાની બે લક્ઝરી મિલકતો વેચી દીધી છે. અભિનેતાએ મુંબઈના બોરીવલી પૂર્વ વિસ્તારમાં સ્થિત એક પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટમાં તેની બે બાજુની મિલકતો ૭.૧૦ કરોડ રૂપિયામાં વેચી દીધી છે. મહારાષ્ટ્ર સરકારની નોંધણી વેબસાઇટ igrmaharashtra.gov.in પરથી સ્ક્વેર યાર્ડ દ્વારા મેળવેલા દસ્તાવેજોના વિશ્લેષણ દ્વારા આ માહિતી પ્રકાશમાં આવી છે. બંને મિલકતો જૂન ૨૦૨૫ માં નોંધાયેલી છે. બોરીવલી પૂર્વની ગણતરી મુંબઈના સૌથી પસંદગીના રહેણાંક વિસ્તારોમાં થાય છે જ્યાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, મેટ્રો લાઇન ૭ અને સબર્બન રેલ્વે દ્વારા ઉત્તમ કનેક્ટિવિટી છે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મુંબઈમાં પોતાની બે મિલકતો વેચી દીધી છે. ૮ વર્ષ પહેલાં ખરીદેલી આ બે મિલકતો વેચીને અક્ષય કુમારે મોટો નફો કમાયો છે. આ બંને મિલકતો મુંબઈના બોરીવલી વિસ્તારમાં સ્કાય સિટી પ્રોજેક્ટમાં એકબીજાની બાજુમાં આવેલી હતી. ઓનલાઈન પ્રોપર્ટી પોર્ટલ squareyards.com દ્વારા સમીક્ષા કરાયેલા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ, આ બંને મિલકતોના વેચાણની માહિતી નોંધણી મહાનિરીક્ષકની વેબસાઇટ https://igrmaharashtra.gov.in પર આપવામાં આવી છે.
સ્ક્વેર યાર્ડ્સ દ્વારા સમીક્ષા કરાયેલા IGR દસ્તાવેજો અનુસાર, અક્ષય કુમારે તેમની પહેલી મિલકત ૫.૭૫ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. તેનો કાર્પેટ એરિયા ૧,૧૦૧ ચોરસ ફૂટ હતો અને તેમાં બે ર્પાકિંગ જગ્યાઓ પણ હતી. આ મિલકતના વ્યવહારમાં, ૩૪.૫૦ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને ૩૦ હજાર રૂપિયાની નોંધણી ફી ચૂકવવામાં આવી હતી. કુમારે બીજી મિલકત રૂ.૧.૩૫ કરોડમાં વેચી, જેનો કાર્પેટ એરિયા ૨૫૨ ચોરસ ફૂટ હતો. આ વ્યવહારમાં રૂ.૬.૭૫ લાખની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. ૩૦,૦૦૦ ની નોંધણી ફી ચૂકવવામાં આવી. આ બંને મિલકતો આ વર્ષે જૂન મહિનામાં વેચાઈ ગઈ હતી.
અક્ષય કુમારે બંને મિલકતો વેચીને મોટો નફો કર્યો છે. અક્ષય કુમારે ૨૦૧૭ માં પોતાની પહેલી મિલકત ૩.૦૨ કરોડ રૂપિયામાં ખરીદી હતી અને આ વર્ષે તેને ૫.૭૫ કરોડ રૂપિયામાં વેચી દીધી. આ રીતે, કુમારે આ મિલકત વેચીને ૯૦ ટકા નફો કર્યો. કુમારે ૨૦૧૭ માં બીજી મિલકત ૬૭.૯૦ લાખ રૂપિયામાં ખરીદી હતી અને ૮ વર્ષ પછી ૨૦૨૫ માં તેને ૧.૩૫ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી, જેમાં ૯૯ ટકા નફો થયો હતો. સ્વાભાવિક છે કે આ મિલકત બમણી કિંમતે વેચાઈ હતી. બંને મિલકતોમાંથી થતા નફા વિશે વાત કરીએ તો, કુમારે લગભગ ૯૨ ટકા નફો કર્યો છે. બંને મિલકતો ૨૦૧૭ માં ૩.૭૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને આ વર્ષે જૂનમાં ૭.૧૦ કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ હતી.
સ્કાય સિટી પ્રોજેક્ટ ઓબેરોય રિયલ્ટી દ્વારા વિકસાવવામાં આવ્યો છે અને તે ૨૫ એકરમાં ફેલાયેલો છે. તે ૩ BHK, ૩ BHK વત્તા સ્ટુડિયો અને ડુપ્લેક્સ રેડી ટુ મૂવ એપાર્ટમેન્ટ્સ ઓફર કરે છે. સ્ક્વેર યાર્ડ્સ ડેટા ઇન્ટેલિજન્સ અનુસાર, ઓબેરોય સ્કાય સિટીએ મજબૂત પ્રદર્શન કર્યું છે. ઓગસ્ટ ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૫ સુધીમાં તેણે ૧૦૦ વેચાણ નોંધણીઓ નોંધાવી છે જેનું કુલ વ્યવહાર મૂલ્ય રૂ. ૪૨૮ કરોડ છે. આ પ્રોજેક્ટમાં સરેરાશ પુનર્વેચાણ મિલકતની કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ.૪૭,૮૦૦ છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
