<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

અભિનેતા દીપક તિજોરી લાંબા સમય બાદ ગુજરાતી સિનેમામાં પરત ફર્યા: ફિલ્મ 'ગેટસેટ ગો'નું શૂટિંગ શરૂ

દીપક તિજોરીએ કહ્યું કે ગુજરાતી સિનેમામાં ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલાની ફિલ્મોની તુલનામાં હવે સારી અને ક્વોલિટી ફિલ્મો નવા વિષયો પર બની રહી છે

અભિનેતા દીપક તિજોરી લાંબા સમય બાદ ગુજરાતી સિનેમામાં પરત ફર્યા છે. તેમની નવી ફિલ્મ 'ગેટસેટ ગો'નું શૂટિંગ હાલમાં શરૂ થયું છે. આ તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ છે, જે વર્ષો બાદ આવી રહી છે. દીપક તિજોરીએ જણાવ્યું કે ગુજરાતી સિનેમામાં ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલાની ફિલ્મોની તુલનામાં હવે સારી અને ક્વોલિટી ફિલ્મો નવા વિષયો પર બની રહી છે. તેઓ ખાસ કરીને દર્શકોને આ પરિવર્તનનો શ્રેય આપે છે, કારણ કે પ્રેક્ષકો થિયેટરોમાં આવતા થયા છે અને ગુજરાતી ફિલ્મો જોવામાં હવે શરમ અનુભવતા નથી. પહેલા જ્યાં લોકો ગુજરાતી ફિલ્મ જોવા ગયાની વાત પણ નહોતા કરતા, ત્યાં હવે ટ્રેલર અને ફિલ્મોની ખુલ્લેઆમ ચર્ચા થાય છે. દીપક તિજોરી 'ગેટસેટ ગો' અંગે ખૂબ ઉત્સાહિત છે.

દીપક તિજોરીનો પારિવારિક પૃષ્ઠભૂમિ ગુજરાતી હતો, તેમના પિતા ગુજરાતી હતા અને માતા પારસી-ઈરાની હતા, જેમણે લગ્ન પછી સંપૂર્ણપણે ગુજરાતી સંસ્કૃતિ અપનાવી લીધી હતી. તેમનો ઉછેર તદ્દન ગુજરાતી વાતાવરણમાં થયો હતો, જ્યાં ભણતર અને સર્ટિફિકેટ્સને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું. અભિનયની શરૂઆત તેમણે સ્કૂલ-કોલેજમાં નાટકોથી કરી હતી, જ્યાં તેઓ શરૂઆતમાં ડાન્સર હતા. તેમનો પહેલો પ્લે 'આંખ મીચોલી ખેલતે ખેલતે' હતો. કોલેજમાં 'બેસ્ટ ડ્રામેટિક્સ'નો એવોર્ડ જીત્યા બાદ, તેમને IPTA સ્પર્ધામાં સુનીલ દત્ત સાહેબના હાથે પહેલો એક્ટર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ અને ફોટો જ્યારે તેઓ ઘરે લઈ ગયા, ત્યારે તેમની માતાની આંખોમાં પાણી આવી ગયા હતા. ત્યારે તેમને જાણ થઈ કે તેમની માતા પણ ભૂતકાળમાં બલરાજ અને બલ્લી સાથે રેડિયો પ્લે કરતી હતી. માતાની આ ખુશી જોઈને દીપક તિજોરીએ અભિનયમાં જ કારકિર્દી બનાવવાનું દ્રઢ નિશ્ચય કર્યું.

(12:00 PM IST)