<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

બોલિવૂડમાં વધુ એક 'વેવાઈ સંબંધ': દીપિકા પાદુકોણની બહેન અનીશાનાં લગ્ન સની દેઓલની પુત્રવધૂના ભાઈ સાથે

દીપિકાની ભૂતપૂર્વ ગૉલ્ફર બહેન અનીશા પાદુકોણ દુબઈના બિઝનેસમૅન રોહન આચાર્ય સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે; રોહનનો પરિવાર દેઓલ ખાનદાન સાથે ખાસ કનેક્શન ધરાવે છે.

મુંબઈ/દુબઈ: બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતમાં વધુ એક હાઇ-પ્રોફાઇલ લગ્નની તૈયારી ચાલી રહી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણની બહેન અને ભૂતપૂર્વ પ્રોફેશનલ ગૉલ્ફર અનીશા પાદુકોણ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અનીશાની સગાઈ દુબઈના બિઝનેસમૅન રોહન આચાર્ય સાથે થઈ ચૂકી છે. આ લગ્નસંબંધ માત્ર પાદુકોણ પરિવાર માટે જ નહીં, પણ દેઓલ ખાનદાન માટે પણ મહત્ત્વનો બની રહેવાનો છે, કારણ કે આ લગ્નને કારણે દીપિકાનો પરિવાર પરોક્ષ રીતે સની દેઓલના પરિવાર સાથે જોડાશે.

બહુ ઓછા લોકો જાણે છે કે રોહન આચાર્યના પરિવારનું દેઓલ પરિવાર સાથે ખાસ કનેક્શન છે. હકીકતમાં, રોહન આચાર્યની બહેન દ્રિશા આચાર્યનાં લગ્ન અભિનેતા સની દેઓલના મોટા દીકરા કરણ દેઓલ સાથે થયા છે. આ રીતે, દીપિકાની બહેન અનીશાનાં લગ્ન હવે દેઓલ-પરિવારના વેવાઈપક્ષમાં થવા જઈ રહ્યા છે, જે આ લગ્નને ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બનાવી રહ્યો છે. બોલિવૂડમાં મોટા કલાકારો અને તેમના પરિવાર વચ્ચેના સંબંધોની આ એક નવી કડી છે.

રોહન આચાર્યનો પરિવાર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઊંડો નાતો ધરાવે છે. રોહન આચાર્ય ખ્યાતનામ ફિલ્મમેકર બિમલ રૉયની દીકરી ચિમ્મુ આચાર્યનો દીકરો છે. પારિવારિક સંબંધો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જોડાણને કારણે આ લગ્ન ખૂબ જ ખાસ બની રહેવાના છે. અનીશા અને રોહન ઘણાં વર્ષોથી એકબીજાને ઓળખે છે અને હવે તેમણે આ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે.

અનીશા પાદુકોણની વાત કરીએ તો, તે એક સફળ ગૉલ્ફર તરીકેની કારકિર્દી છોડ્યા બાદ હાલમાં તેની બહેન દીપિકા પાદુકોણની માનસિક સ્વાસ્થ્ય સંસ્થા ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન’ની ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે કાર્યરત છે. હવે આ નવા સંબંધો અને લગ્નને કારણે પાદુકોણ અને દેઓલ પરિવાર વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. ચાહકો હવે આ ભવ્ય લગ્ન સમારોહની તારીખો જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(3:24 PM IST)