News of Sunday, 4th January 2026
બિગ બોસ જીત્યા પણ કાર ક્યાં? ગૌરવ ખન્નાએ 'ગાયબ' થયેલી ઈનામી કારનું રહસ્ય ખોલ્યું!
ટ્રોફી હાથમાં આવી પણ સવારી હજુ બાકી: વ્લોગમાં મિત્ર સાથેની મજેદાર વાતચીતમાં ખુલાસો કર્યો કે કેમ હજુ સુધી શોની કાર ઘરે નથી પહોંચી : સાથે જ અંબાણી પરિવારના ભવ્ય ઈવેન્ટમાં ૮૦,૦૦૦ લોકો સામે હોસ્ટિંગનો રોમાંચક અનુભવ વર્ણવ્યો

નવી દિલ્હી: 'બિગ બોસ ૧૯'ના વિજેતા બન્યા બાદ ગૌરવ ખન્ના અત્યારે સાતમા આસમાને છે, પરંતુ ચાહકોના મનમાં એક જ સવાલ હતો કે શોમાં જીતેલી ચમકતી કાર ક્યાં છે? ગૌરવે પોતાની નવી લોન્ચ થયેલી યુટ્યુબ ચેનલ પર આ રહસ્ય પરથી પરદો ઉઠાવતા એક મજેદાર કિસ્સો શેર કર્યો. જ્યારે તે તેના સાથી સ્પર્ધક અને મિત્ર પ્રણિત મોરને ડિનર પર મળ્યો, ત્યારે પ્રણિતે મજાકમાં કાર ભેટમાં માંગી હતી. જેના જવાબમાં ગૌરવે હસતા હસતા કબૂલાત કરી કે, "ભાઈ, મને હજુ સુધી કાર મળી જ નથી!" આ રમૂજી વાતચીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને બતાવ્યું છે કે રિયાલિટી શોના વિજેતા બન્યા પછી પણ ગૌરવનો જમીન સાથે જોડાયેલો સ્વભાવ અને મિત્રતા અકબંધ છે.
કારની રાહ જોવા સિવાય ગૌરવના જીવનમાં અત્યારે એક બીજી મોટી સિદ્ધિ પણ જોડાઈ છે. તેણે રિલાયન્સ ફેમિલી દ્વારા આયોજિત શ્રી ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિના ભવ્ય કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો. ગૌરવે આ અનુભવને તેના જીવનની પરીક્ષા જેવો ગણાવ્યો હતો. તેણે જણાવ્યું કે, ૪૦,૦૦૦ લોકોની ભીડ વચ્ચે ઘોડા પર સવાર થઈને સ્ટેજ પર એન્ટ્રી લેવી એ કોઈ પણ કલાકાર માટે સપના જેવું હોય છે. આવા બે મોટા શો હોસ્ટ કરવા એ ટીવી ઈન્ડસ્ટ્રીથી અલગ અને વ્યક્તિગત રીતે એક બહુ મોટી સફળતા છે. અગાઉ પ્રયાસ કરવા છતાં આ તક મળી નહોતી, પરંતુ આ વર્ષે નસીબે તેનો સાથ આપ્યો અને અંબાણી પરિવારના આ પ્રતિષ્ઠિત મંચ પર તે ચમક્યો.
ગૌરવે તેની યુટ્યુબ સફરની શરૂઆત પણ કરી દીધી છે, જેના માટે તેણે પ્રણિત મોર અને યુટ્યુબર મૃદુલ તિવારીનો આભાર માન્યો છે. તેણે સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા અને ડિજિટલ દુનિયા વિશે તેને બહુ ઓછી જાણકારી છે, પરંતુ તેના આ બે 'નાના ભાઈઓ'ની પ્રેરણાથી તેણે આ નવું સાહસ ખેડ્યું છે. 'અનુપમા' ફેમ ગૌરવે તેના વ્લોગમાં ચાહકો સાથે 'બિગ બોસ'ના મુશ્કેલ દિવસો અને તેની અત્યાર સુધીની કરિયરની સફર વિશે પણ દિલ ખોલીને વાત કરી છે. જે લોકોએ તેને શોમાં પસંદ નહોતો કર્યો, તેમને પણ ગૌરવે ખાતરી આપી છે કે તે આગામી પ્રોજેક્ટ્સમાં વધુ સારું કામ કરીને તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરશે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
