News of Tuesday, 6th January 2026
પૌરાણિક કથાઓ અને આધુનિક કોમેડીનો જબરદસ્ત તડકો: 'રાહુ કેતુ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, પુલકિત-વરુણની જોડી ફરી મચાવશે ધૂમ
પીયૂષ મિશ્રાના પાવરફુલ અવાજ સાથે શરૂ થતી આ 'કોસ્મિક સવારી'માં જોવા મળશે હાસ્ય અને અરાજકતાનો અનોખો સંગમ; 16 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

મુંબઈ : બોલિવૂડમાં જ્યારે પણ પુલકિત સમ્રાટ અને વરુણ શર્માની જોડી સાથે આવે છે, ત્યારે દર્શકોને હાસ્યનું લોટપોટ પેકેજ મળે છે. ઝી સ્ટુડિયો અને બ્લાઇવ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'રાહુ કેતુ' નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે આ વખતે કોમેડી માત્ર સામાન્ય નથી, પણ તેમાં પૌરાણિક કથાઓ અને આધુનિક સમયની ગડમથલનું અદ્ભુત મિશ્રણ છે.
પિયૂષ મિશ્રાની વાણી અને સ્ટાર કાસ્ટનો જાદુ
ટ્રેલરની શરૂઆત પીયૂષ મિશ્રાના ગહન અને શક્તિશાળી અવાજથી થાય છે, જે પ્રેક્ષકોને રાહુ અને કેતુના પૌરાણિક મહત્વથી વાકેફ કરે છે. પુલકિત સમ્રાટ આ ફિલ્મમાં એક ચાલાક અને શોર્ટકટથી સફળતા મેળવવા ઈચ્છતા યુવાનના રોલમાં છે, જ્યારે વરુણ શર્મા પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં સિચ્યુએશનલ કોમેડી દ્વારા પ્રેક્ષકોને હસાવવા તૈયાર છે. વરુણ શર્માએ જણાવ્યું કે, "આ ફિલ્મ માત્ર હસાવવા માટે નથી, પણ માનવીય નબળાઈઓને રમુજી રીતે અરીસો બતાવવા માટે છે."
શાલિની પાંડે અને સહાયક કલાકારોનો દમ
ફિલ્મમાં શાલિની પાંડે એક મજબૂત અને આત્મવિશ્વાસુ યુવતીના પાત્રમાં જોવા મળી રહી છે, જે વાર્તાને ભાવનાત્મક ઊંડાણ આપે છે. આ ઉપરાંત, ચંકી પાંડે પોતાની આગવી કોમિક ટાઈમિંગ સાથે અને અમિત સિયાલ તેના ગંભીર અભિનયથી ફિલ્મમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. ડાયરેક્ટર વિપુલ વિગની આ ફિલ્મમાં 'જેવું વાવશો તેવું લણશો' એવા ગહન સંદેશને હાસ્યના મધપૂડામાં લપેટીને પેશ કરવામાં આવ્યો છે.
ક્યારે થશે રિલીઝ?
જો તમે પણ પૌરાણિક કથાઓને એક અલગ જ અંદાજમાં મોટા પડદા પર જોવા માંગતા હોવ, તો 16 જાન્યુઆરી, 2026ની તારીખ નોંધી લેજો. 'રાહુ કેતુ' એક એવી કોસ્મિક કોમેડી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે જે મગજને ગૂંચવશે અને હૃદયને હસાવશે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
