<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

બોલિવૂડમાં નવી લવ સ્ટોરી? દિશા પટાણી અને પંજાબી સિંગર તલવિંદર વચ્ચે ડેટિંગની અફવાઓ તેજ, ઉદયપુરના લગ્નમાં હાથમાં હાથ નાખી જોવા મળ્યું 'કપલ'

ટાઇગર શ્રોફ બાદ હવે મિસ્ટ્રી મેન તલવિંદર સાથે દિશાની નિકટતા ચર્ચામાં: એરપોર્ટ પર બોર્ડિંગ પાસ સંભાળતી જોવા મળી અભિનેત્રી, શું ટૂંક સમયમાં કરશે સત્તાવાર જાહેરાત?

મુંબઈ | તા.13 : બોલિવૂડની સૌથી ફિટ અને હોટ અભિનેત્રી દિશા પટાણી ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. લાંબા સમય સુધી ટાઇગર શ્રોફ સાથેના સંબંધો બાદ હવે દિશાનું નામ પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ઉભરતા સ્ટાર તલવિંદર સિંહ સિદ્ધુ સાથે જોડાઈ રહ્યું છે. ઉદયપુરમાં આયોજિત એક હાઈ-પ્રોફાઈલ લગ્ન સમારોહમાં બંને જે રીતે સાથે જોવા મળ્યા, તેનાથી ફેન્સ અને મીડિયામાં 'નવા પ્રેમ'ની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ઉદયપુરના લગ્નમાં 'સ્પેશિયલ' કેમિસ્ટ્રી

ગાયક સ્ટેબિન બેન અને નુપુર સેનન (કૃતિ સેનનની બહેન) ના ઉદયપુર ખાતે યોજાયેલા ભવ્ય લગ્નમાં દિશા અને તલવિંદર સતત સાથે જોવા મળ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં દિશા તલવિંદરનો હાથ પકડીને ચાલતી અને બંને એકબીજાની વાતોમાં મશગૂલ હોવાનું જણાયું હતું. ચાહકોનું માનવું છે કે દિશાની આ 'કોઝી' બોડી લેંગ્વેજ માત્ર મિત્રતા તો નથી જ. લગ્ન બાદ ઉદયપુર એરપોર્ટ પર પણ જ્યારે દિશા તલવિંદરને તેના બોર્ડિંગ પાસ મેળવવામાં મદદ કરી રહી હતી, ત્યારે આ ક્લિપ 'ક્યૂટ કપલ ગોલ્સ' તરીકે વાયરલ થઈ હતી.

કોણ છે આ મિસ્ટ્રી મેન તલવિંદર?

તલવિંદર સિંહ સિદ્ધુ, જે 'તલવિંદર' તરીકે વધુ જાણીતા છે, તે એક લોકપ્રિય પંજાબી ગાયક અને સંગીતકાર છે. તલવિંદર પોતાની પર્સનલ લાઈફને ઘણી ખાનગી રાખવા માટે જાણીતા છે અને ઘણીવાર જાહેર કાર્યક્રમોમાં પોતાનો અડધો ચહેરો ઢાંકીને જોવા મળે છે. જોકે, દિશા સાથેની તેમની નિકટતાએ હવે તેમને લાઈમલાઈટમાં લાવી દીધા છે. અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ આ સંબંધોની પુષ્ટિ કરી નથી કે નકાર્યા પણ નથી.

શું દિશાએ ટાઇગર શ્રોફ પ્રકરણ ભૂલાવી દીધું?

દિશા અને ટાઇગર શ્રોફના બ્રેકઅપ બાદ ચાહકો ઘણા સમયથી જાણવા માંગતા હતા કે દિશાની લાઈફમાં નવો હીરો કોણ હશે. તલવિંદર સાથેની આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, "આ જોડી ઘણી રિલેક્સ્ડ લાગે છે." જોકે, દિશાએ હંમેશા પોતાની અંગત લાઈફ વિશે મૌન જાળવી રાખ્યું છે, એટલે સત્ય શું છે તે તો સમય જ બતાવશે. હાલમાં તો 'લોહરી'ના તહેવાર વચ્ચે દિશા અને તલવિંદરની આ 'મિત્રતા' બોલિવૂડમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બની છે.

(5:01 PM IST)