<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

શક્તિ સામંત @100: કેમેરા પાછળનો એ જાદુગર જેણે રાજેશ ખન્નાને બનાવ્યા 'સુપરસ્ટાર' અને શમ્મી કપૂરને આપ્યો નવો અંદાજ

ગાયક બનવા આવેલા યુવાને 'આરાધના' અને 'અમર પ્રેમ' જેવી અમર કૃતિઓ સર્જી, મુંબઈના રૂપેરી પડદે શક્તિ સામંતના સદીના સંસ્મરણો

મુંબઈ | તા.13 : આજે જો આપણે 'આરાધના', 'કટી પતંગ' કે 'અમર પ્રેમ' જેવી ફિલ્મોના નામ લઈએ તો મનમાં તરત જ સંગીત અને ઈમોશન્સનો દરિયો ઉભરાય છે. આ ફિલ્મો પાછળ જે મગજ હતું, તે નામ એટલે શક્તિ સામંત. આજે તેમની 100મી જન્મજયંતિ છે. આશ્ચર્યની વાત એ છે કે, 'હાવડા બ્રિજ' થી લઈને 'કાશ્મીર કી કાલી' સુધીની બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર આ દિગ્ગજ ક્યારેય દિગ્દર્શક બનવા માંગતા નહોતા. તેઓ તો મુંબઈમાં ગાયક અને અભિનેતા બનવાનું સપનું લઈને આવ્યા હતા, પરંતુ નસીબે તેમને કેમેરાની પાછળના 'સુપરસ્ટાર' બનાવી દીધા.
ઈન્સ્પેક્ટરના રોલથી કંટાળીને બન્યા દિગ્દર્શક
શક્તિ સામંત શરૂઆતમાં નાની ફિલ્મોમાં માત્ર પોલીસ ઈન્સ્પેક્ટરના રોલ કરતા હતા, જ્યાં તેમનો એક જ ડાયલોગ રહેતો - "ફોલો કાર નંબર XYZ". અશોક કુમારે સૌપ્રથમ તેમને ઓળખ્યા અને કહ્યું કે, "તું અભિનેતા કરતા સારો દિગ્દર્શક બની શકે છે." ૧૯૫૪માં 'બહુ' થી શરૂઆત કર્યા બાદ ૧૯૫૬માં 'ઈન્સ્પેક્ટર' હિટ રહી અને ત્યાંથી બોલિવૂડમાં એક નવા યુગનો પ્રારંભ થયો. તેમણે માત્ર ફિલ્મો જ ન બનાવી, પરંતુ નડિયાદવાલા જેવા મોટા ફિલ્મ નિર્માતા પરિવારોને સ્થાપિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી.
રાજેશ ખન્નાનો સુવર્ણ યુગ અને 'અમર પ્રેમ'
હિન્દી સિનેમામાં 70ના દાયકામાં જે 'રાજેશ ખન્ના ક્રેઝ' જોવા મળ્યો હતો, તેનો મોટો શ્રેય શક્તિ સામંતને જાય છે. 'આરાધના' એ રાજેશ ખન્નાને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા હતા. જોકે, સામંતને હંમેશા અફસોસ હતો કે જો રાજેશ ખન્નાએ તેમની સલાહ માની હોત અને ફિલ્મોની પસંદગીમાં કાળજી રાખી હોત, તો તેમનું શાસન હજુ વધુ લાંબુ ચાલ્યું હોત. માત્ર હિન્દી જ નહીં, પરંતુ ઉત્તમ કુમાર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો સાથે બંગાળી અને હિન્દી બંને ભાષાઓમાં ફિલ્મો બનાવી તેમણે બે પ્રદેશોના સિનેમાને જોડવાનું કામ કર્યું હતું.
શમ્મી કપૂરની મસ્તી અને કાશ્મીરનો જાદુ
શમ્મી કપૂર અને શક્તિ સામંતની જોડીએ 'સિંગાપોર', 'ચાઇના ટાઉન' અને 'કાશ્મીર કી કાલી' જેવી ફિલ્મો આપી. શમ્મી કપૂરના ગીતોના કોરિયોગ્રાફીમાં સામંત તેમને પૂરી આઝાદી આપતા, જેનું પરિણામ 'યે ચાંદ સા રોશન ચેહરા' જેવા સદાબહાર ગીતોમાં જોવા મળે છે. તેમના વિશે પ્રસેનજીત ચેટર્જી કહે છે કે, શક્તિ સામંત એટલા શિસ્તબદ્ધ હતા કે સવારે 7 વાગ્યે શૂટિંગ માટે સૌથી પહેલા હાજર રહેતા. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ 'ચિંગારી કોઈ ભડકે' કે 'મેરે સપનો કી રાની' જેવા ગીતોમાં તેમનો જાદુ હંમેશા જીવંત રહેશે.

(5:13 PM IST)