<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

બોલિવૂડમાં સુરનો સંગ્રામઃ એ.આર.રહેમાનના ‘સાંપ્રદાયિક' આરોપોથી સંગીત જગતમાં હલચલ

જાવેદ અખ્‍તર અને શાને આપ્‍યો જડબાતોડ જવાબ આઠ વર્ષથી કામ ન મળવા પાછળ ‘ગેંગબાજી' અને ધાર્મિક ભેદભાવ જવાબદારઃ રહેમાનના દાવાએ બોલિવૂડના આંતરિક રાજકારણને ખુલ્લું પાડયું

નવી દિલ્‍હી, તા.૧૭: ઓસ્‍કર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાનના એક નિવેદને હાલમાં બોલિવૂડમાં વિવાદનું વંટોળ ઊભું કર્યું છે. રહેમાને ગંભીર આક્ષેપ કર્યો છે કે હિન્‍દી સિનેમામાં અમુક ચોક્કસ ગેંગ સક્રિય છે જે તેમને કામ મળતા રોકી રહી છે. તેમણે વધુમાં ચોંકાવનારી શંકા વ્‍યક્‍ત કરી કે કદાચ સાંપ્રદાયિક કારણોને લીધે પણ તેમને છેલ્લા આઠ વર્ષથી મોટા પ્રોજેક્‍ટ્‍સથી દૂર રાખવામાં આવ્‍યા છે. રહેમાનના મતે, મ્‍યુઝિક ઇન્‍ડસ્‍ટ્રી હવે સર્જનાત્‍મક કલાકારોને બદલે બિન-સર્જનાત્‍મક કોર્પોરેટ લોકોના હાથમાં જતી રહી છે, જ્‍યાં કલાની કદર ઓછી અને ગણતરીઓ વધુ થાય છે. જોકે, તેમણે સ્‍પષ્ટ કર્યું કે આ વાતો સીધી નહીં પણ ચાઇનીઝ વ્‍હીસ્‍પર્સ દ્વારા તેમના સુધી પહોંચી છે.

રહેમાનના આ વિવાદાસ્‍પદ નિવેદન સામે પીઢ ગીતકાર જાવેદ અખ્‍તર અને સિંગર શાને મજબૂત બચાવ કર્યો છે. જાવેદ અખ્‍તરે ખૂબ જ તાર્કિક રીતે આ વાતને નકારતા કહ્યું કે, બોલિવૂડમાં પ્રતિભાનું હંમેશા સન્‍માન થાય છે અને રહેમાન જેવા દિગ્‍ગજને કામ ન મળવા પાછળનું કારણ તેમની વ્‍યસ્‍તતા અથવા મોટું વ્‍યક્‍તિત્‍વ હોઈ શકે છે. નાના નિર્માતાઓ કદાચ તેમને અપ્રોચ કરતા ડરતા હોય તેવું બની શકે. બીજી તરફ, ગાયક શાને ત્રણેય ખાન (શાહરુખ, સલમાન, આમિર)નું ઉદાહરણ આપીને કહ્યું કે જો સાંપ્રદાયિકતા હોત તો આ સુપરસ્‍ટાર્સ ટોચ પર ન હોત. શાનના મતે, કામ ન મળવું એ ઇન્‍ડસ્‍ટ્રીના બદલાતા ટ્રેન્‍ડનો ભાગ હોઈ શકે છે, સાંપ્રદાયિકતાનો નહીં.

આ વિવાદો વચ્‍ચે પણ એ. આર. રહેમાનનું સંગીત ટૂંક સમયમાં મોટા પડદા પર ગુંજવાનું છે. ભલે રહેમાન ઓછું કામ કરી રહ્યા હોય, પણ તેમની પાસે છાવા, લાહોર ૧૯૪૭, તેરે ઇશ્‍ક મેં અને રણબીર કપૂરની બહુ-તિક્ષિત રામાયણ જેવા મોટા પ્રોજેક્‍ટ્‍સ છે. શંકર મહાદેવને પણ આ મામલે સૂર પુરાવતા કહ્યું કે અત્‍યારે સંગીતના નિર્ણયો લેનારા લોકો ઘણીવાર સંગીતથી અજાણ હોય છે, જે એક કડવી વાસ્‍તવિકતા છે. હવે જોવાનું એ રહેશે કે રહેમાનના આ ધડાકા બાદ બોલિવૂડના આંતરિક સમીકરણોમાં શું ફેરફાર આવે છે અને શું આ ગેંગબાજીના આક્ષેપો પર અન્‍ય કોઈ મોટા કલાકારો મૌન તોડે છે કે નહીં.

(3:57 PM IST)